Home Gujarat The Call Of Genibens Thakor For The Development Of The Thakor Community

'આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને' : ઠાકોર સમાજના અભ્યુદય મહાસંમેલન ગેનીબેનના ઠાકોરની હાકલ

'આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને'
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 05:44 AM IST

ઠાકોર સમાજના અભ્યુદય મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરે સમાજના ભવિષ્યને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'હવે ઠાકોર સમાજે પરંપરાગત નોકરીઓ જેવી કે પટાવાળા અને સિક્યુરિટીના કામમાંથી બહાર આવીને ઉચ્ચ શિક્ષણ મેળવી IAS-IPS જેવા સારા અને પ્રતિષ્ઠિત હોદ્દાઓ સુધી પહોંચવાનો સંકલ્પ લેવો પડશે. ટેક્નોલોજીની આ સદીમાં સમાજના યુવાનોને સારા હોદ્દાની નોકરી માટે જાગૃત થવાની જરૂર છે'.

'12મા ધોરણ સુધી અભ્યાસ કરાવ્યા બાદ જ લગ્ન કરાવવાનો સંકલ્પ સમાજે લેવો જોઈએ'

ગેનીબેન ઠાકોરે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, 'દીકરીઓને ઓછામાં ઓછું 12મા ધોરણ સુધી અભ્યાસ કરાવ્યા બાદ જ લગ્ન કરાવવાનો સંકલ્પ સમાજે લેવો જોઈએ'. સાથે સાથે દરેક તાલુકામાં દીકરીઓ માટે ખાસ હોસ્ટેલ બનાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર આપ્યો. સમાજની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમની રોજગારી અંગે પણ ગંભીરતાથી વિચારવું પડશે તેમ તેમણે જણાવ્યું.

ગેનીબેન ઠાકોરે સમાજને એકજૂટ થવાની અપીલ કરી

સમાજના વિકાસ માટે સંઘર્ષ અને પરિશ્રમ અનિવાર્ય હોવાનું જણાવતાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 'આવનાર સમય કોઈની રાહ જોતો નથી. સમાજને આગળ વધારવા માટે આજે જ પગલાં ભરવા પડશે. તેમણે રાજ્યના ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ ઠાકોર સમાજને એકજૂટ થવાની અપીલ કરી હતી. એકતા વિના વિકાસ શક્ય નથી તેમ તેમણે સ્પષ્ટ કહ્યું. શિક્ષણને સમાજના વિકાસની ચાવી ગણાવતા ગેનીબેન ઠાકોરે સમાજની શૈક્ષણિક સંસ્થાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી.

'રાજકારણ વ્યક્તિગત વિષય છે...'

તેમણે ઉમેર્યું કે સમાજ સેવામાં કોઈને નડે નહીં તે પણ મોટી સેવા છે. રાજકારણ વ્યક્તિગત વિષય છે, પરંતુ સમાજના નાગરિકોના ન્યાય અને હક માટે સૌએ એક મંચ પર એકતાથી ઉભા રહેવું પડશે એવો સંદેશ તેમણે આપ્યો.

અભ્યુદય મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરના આ નિવેદનોએ સમાજના લોકોમાં નવી દિશા, નવી વિચારધારા અને ભવિષ્ય માટે મજબૂત સંકલ્પ જગાવ્યો હોવાનું જોવા મળ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now