Home Automobile Tesla Cybertruck Iihs Top Safety Pick Award 2025

સુરક્ષામાં TESLA CYBERTRUCKનો દબદબો : IIHS ક્રેશ ટેસ્ટમાં મેળવ્યો સર્વોચ્ચ એવોર્ડ

સુરક્ષામાં TESLA CYBERTRUCKનો દબદબો
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 05:30 PM IST

ઓટોમોબાઈલ સુરક્ષાના ક્ષેત્રમાં વર્ષ 2025 ટેસ્લા માટે મોટી સફળતા લઈને આવ્યું છે. અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા IIHS એટલે કે હાઈવે સુરક્ષા માટેની વીમા સંસ્થાએ તેના નવા રિપોર્ટમાં Tesla Cybertruck ને સર્વોચ્ચ 'Top Safety Pick+' એવોર્ડથી સન્માનિત કર્યું છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત ખિતાબ મેળવનાર તે વિશ્વનો એકમાત્ર પિકઅપ ટ્રક બન્યો છે. અત્યાર સુધી કોઈ પણ પિકઅપ ટ્રક માટે સુરક્ષાના આટલા કડક માપદંડો પાર કરવા ખૂબ જ મુશ્કેલ રહ્યા છે.

દિગ્ગજ ટ્રકોને પછાડી સાયબરટ્રક બન્યું વિજેતા

IIHS દ્વારા વર્ષના અંતમાં જાહેર કરવામાં આવેલી 20 નવી ગાડીઓની સુરક્ષા યાદીમાં 16 વાહનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા. જોકે, સૌથી વધુ આશ્ચર્ય સાયબરટ્રકના પ્રદર્શને સર્જ્યું છે. જીપ ગ્લેડિયેટર અને રેમ 1500 જેવા વર્ષો જૂના લોકપ્રિય પિકઅપ ટ્રકો આ વખતે સુરક્ષાના નવા અને કડક ક્રેશ ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થયા છે, જ્યારે ટેસ્લાના આ ઇલેક્ટ્રિક ટ્રકે બાજી મારી લીધી છે.

એપ્રિલ 2025 પછીના મોડલ્સમાં મોટા સુધારા

રિપોર્ટ અનુસાર April 2025 પછી ઉત્પાદિત થયેલા સાયબરટ્રક મોડલ્સમાં કંપનીએ માળખાકીય ફેરફારો કર્યા હતા. આ ટેકનિકલ સુધારાઓને કારણે ફ્રન્ટ ક્રેશ, સાઈડ ઈમ્પેક્ટ અને પેસેન્જર સેફ્ટી જેવા જટિલ પરીક્ષણોમાં ટ્રકે શાનદાર સ્કોર મેળવ્યો છે. સામાન્ય રીતે પિકઅપ ટ્રક ભારે હોવાને કારણે અને ઊંચા ગ્રાઉન્ડ ક્લિયરન્સને લીધે અકસ્માત સમયે જોખમી સાબિત થતા હોય છે, પરંતુ ટેસ્લાએ તેની સ્ટેનલેસ સ્ટીલ બોડી હોવા છતાં ક્રેશ એનર્જીને કુશળતાપૂર્વક નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે.

ભારત માટે ટેસ્લાના સમાચાર

Tesla Cybertruck હાલમાં ભારતીય બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. જોકે, ટેસ્લાએ ભારતમાં પોતાની એન્ટ્રી કરી દીધી છે અને Model Y લોન્ચ કરી છે. ભારતમાં ટેસ્લા મોડલ વાયની શરૂઆતની કિંમત 59.89 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સાયબરટ્રકની આ વૈશ્વિક સફળતા બાદ હવે ભારતીય ગ્રાહકોમાં પણ ટેસ્લાની સુરક્ષા ટેકનોલોજી પ્રત્યે વિશ્વાસ વધશે તે નક્કી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now