ઘાટીની શાંતિ ડહોળવાનો ફરીથી પ્રયાસ કરવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરાની એક સ્કૂલની ઈમારતમાંથી મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આાટલી મોટી સંખ્યામાં હથિયારો જોઈને સુરક્ષાદળો પણ ચોંકી ઉઠ્યા છે. તપાસ દરમિયાન હથિયારો સાથે અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થો મળી આવતા એક મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ થયો છે. હથિયારોમાં એક ગ્રેનેડ, એક યૂજીબીએલ ગ્રેનેડ, એક ડેટોનેટર, એક પિસ્તોલ અને મેગેઝીન અને તેના કારતૂસ, આઈઈડી બનાવવાનો સામાન મળ્યો છે.
પોલીસને બુધવારે મોડી રાત્રે તેમના તંત્ર પાસેથી ખબર પડી હતી કે અવંતીપોરાના લારમૂમાં આતંકીની એક જગ્યાએ હથિયારો અને અન્ય સામાન જમા કરી રહ્યા છે. પોલીસે એ જ સમયે સેના અને સીઆરપીએફના જવાનો સાથે મળીને તપાસ અભિયાન ચલાવ્યું. સુરક્ષાદળોએ તમામ સંદિગ્ધ ઠેકાણાઓની તપાસ કરી. આ દરમિયાન સુરક્ષાદળોનું ધ્યાન સરકારી પ્રાઈમરી સ્કૂલની ઈમારત તરફ ગયું. તેમણે શાળાની ઈમારતની તપાસ કરી અને ત્યાં એક જગ્યાએ છુપાવીને રાખવામાં આવેલા હથિયાર અને અન્ય સામાનને જપ્ત કર્યો.
પોલીસે આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં આ મામલે કોઈની ધરપકડ નથી થઈ. પોલીસે ગામના કેટલાક સંદિગ્ધ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. 14 ફેબ્રુઆરીના છ વર્ષ પહેલા પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જેની વરસી નજીક આવતા જ સઘન તપાસ થઈય રહી છે. જે દરમિયાન આ હથિયારોનો જથ્થો ઝડપાયો છે.






