Home International Telangana Social Media Queen Honeytrap Racket Arrested

સોશિયલ મીડિયા ક્વીનનો ખતરનાક ખેલ : 1500 લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા, દંપતીની ધરપકડ

સોશિયલ મીડિયા ક્વીનનો ખતરનાક ખેલ
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 08:46 AM IST

તેલંગાણાના કરીમનગર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરેપલ્લી વિસ્તારમાં રહેતા એક દંપતીએ દેવામાંથી મુક્તિ મેળવવા અને રાતોરાત અમીર બનવા માટે 'Honeytrap' અને બ્લેકમેલિંગનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કપલે અત્યાર સુધીમાં અંદાજે 1500 જેટલા પુરુષોને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયાની ખંડણી વસૂલી છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને દંપતીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગનો દુરુપયોગ

આરોપી પત્ની Instagram પર 'Lallydimplequeen' અને YouTube પર 'Karimnagar pilla 143' જેવા હેન્ડલ્સ ચલાવતી હતી અને સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય હતી. તે પોતાની ગ્લેમરસ તસવીરો અને મીઠી વાતોથી પુરુષોને આકર્ષતી હતી અને ત્યારબાદ તેમને પોતાના ઘરે મળવા બોલાવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા જ્યારે શિકાર બનેલા પુરુષો સાથે અંગત પળો વિતાવતી હતી, ત્યારે તેનો પતિ છુપાઈને તે દ્રશ્યોનો Video રેકોર્ડ કરતો હતો. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પુરુષો પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી.

કાળી કમાણીથી વસાવી કરોડોની સંપત્તિ

બ્લેકમેલિંગના આ ધંધાએ દંપતીને ટૂંકા સમયમાં માલામાલ કરી દીધા હતા. આ કાળી કમાણીમાંથી તેઓએ આરેપલ્લીમાં 65 લાખ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો, 10 લાખ રૂપિયાની લક્ઝરી કાર લીધી અને ઘરમાં લાખો રૂપિયાનું મોંઘું ફર્નિચર વસાવ્યું હતું. પોલીસ પણ આ દંપતીની આટલી ઝડપી આર્થિક પ્રગતિ જોઈને હેબતાઈ ગઈ હતી. આ બધું જ તેઓએ માત્ર થોડા મહિનાઓની અંદર હાંસલ કર્યું હતું.

વેપારીની હિંમતથી ફૂટ્યો ભાંડો

આ આખા રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કરીમનગરના એક ટ્રાન્સપોર્ટ વ્યવસાયીએ હિંમત બતાવીને પોલીસનો સંપર્ક કર્યો. આ વેપારી પાસેથી દંપતીએ અગાઉ 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. જ્યારે તેઓએ વધુ 5 લાખ રૂપિયાની માંગણી કરી અને વીડિયો વાયરલ કરવાની તેમજ પરિવારને ખતમ કરવાની ધમકી આપી, ત્યારે વેપારીએ મૌન તોડવાનું નક્કી કર્યું. પોલીસે દંપતી પાસેથી વાંધાજનક વીડિયો ધરાવતા ફોન, રોકડ રકમ અને કોરા ચેક જપ્ત કર્યા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે મોજશોખ અને દેવું ચૂકવવા માટે તેઓએ આ ગંદો રસ્તો પસંદ કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now