બનાસકાંઠા જિલ્લોના અમીરગઢ વિસ્તારમાં આવેલી ખજુરીયા પ્રાથમિક શાળાના એક શિક્ષક નશાની હાલતમાં ઝડપાતા ભારે ચર્ચા ઉભી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકુમાર સોનારા નામના શિક્ષક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા.
શિક્ષક નશામાં ધૂત!
ગામલોકોએ તેમને નશાની હાલતમાં જોઈ તરત જ રોકી પાડ્યા અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં મામલો વધુ ગરમાયો હતો. ગામલોકોએ જવાબદારી દાખવીને શિક્ષકને પોલીસને સોંપી દીધા હતા. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને શિક્ષકની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા તેમની કારની તલાશી લેવામાં આવતા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી, જે મામલાને વધુ ગંભીર બનાવે છે.
રાજકુમાર સોનારા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ
શિક્ષક જેવી જવાબદાર જગ્યાએ રહેલા વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાતા ગામમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓ અને ગામલોકોમાં આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે શિક્ષક સમાજમાં આદર્શ માનવામાં આવે છે. આ સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે રાજકુમાર સોનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે શિસ્ત અને જવાબદારી અંગે ફરી ચર્ચા જગાવી છે.




















