Home Automobile Tata Sierra Ev Vs Mahindra Be6 Price Range Features Comparison

TATA Sierra EV vs Mahindra BE 6 : રેન્જ, કિંમત, પાવર અને ફીચર્સમાં કઈ ઇલેક્ટ્રિક SUV છે વધુ ફાયદાકારક?

Tata Sierra EV, Mahindra BE 6
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2026, 04:52 PM IST

ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં સ્પર્ધા હવે વધુ રસપ્રદ બની રહી છે. ટાટા મોટર્સે પોતાની નવી TATA Sierra EV લોન્ચ કરીને EV સેગમેન્ટમાં વધુ એક મજબૂત વિકલ્પ ઉમેર્યો છે. કંપની માટે આ સાતમી ઇલેક્ટ્રિક કાર છે, જ્યારે બીજી તરફ Mahindra BE 6 પહેલેથી જ દેશની લોકપ્રિય પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUVમાં સ્થાન બનાવી ચૂકી છે. બંને SUV આધુનિક ડિઝાઇન, લાંબી ડ્રાઇવિંગ રેન્જ, અદ્યતન ટેક્નોલોજી અને અનેક પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે. જો તમે નવી ઇલેક્ટ્રિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો કિંમત, બેટરી, રેન્જ, પાવર અને ફીચર્સના આધારે બંને મોડલ વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે.

કિંમત અને વેરિઅન્ટમાં કોને મળે છે આગળ?

TATA Sierra EVને કુલ પાંચ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. તેમાં Pure, Pure S, Adventure, Empowered અને Empowered Aનો સમાવેશ થાય છે. કંપનીએ આ SUVને બે બેટરી વિકલ્પો સાથે રજૂ કરી છે, જેમાં 63kWh અને 75kWh બેટરી પેક ઉપલબ્ધ છે. Sierra EVની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹18.79 લાખ રાખવામાં આવી છે.

બીજી તરફ Mahindra BE 6 ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે, જેને બેટરી વિકલ્પોના આધારે કુલ છ વેરિઅન્ટમાં વહેંચવામાં આવ્યા છે. તેનું એન્ટ્રી લેવલ મોડલ 59kWh બેટરી સાથે આવે છે અને તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹18.90 લાખ છે. જ્યારે ટોપ-સ્પેક વેરિઅન્ટ 79kWh બેટરી સાથે ઉપલબ્ધ છે અને તેની કિંમત ₹26.90 લાખ સુધી જાય છે.

કિંમતની સરખામણી કરીએ તો Sierra EVનું બેઝ મોડલ Mahindra BE 6 કરતાં અંદાજે ₹11,000 સસ્તુ છે.

ફીચર્સની વાત કરીએ તો બંને SUV પ્રીમિયમ અનુભવ આપે છે

TATA Sierra EVમાં કંપનીએ આધુનિક કેબિન સાથે ટ્રિપલ સ્ક્રીન સેટઅપ, સ્માર્ટ એર પ્યુરિફાયર, એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ, પેનોરામિક સનરૂફ અને ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ આપી છે. ઉપરાંત તેમાં Level-2 ADAS સહિત અનેક એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જે સુરક્ષા અને ડ્રાઇવિંગ અનુભવ બંનેને વધુ સારું બનાવે છે.

Mahindra BE 6 પણ ફીચર્સના મામલે પાછળ નથી. તેમાં 12.3 ઇંચની ડ્યુઅલ સ્ક્રીન, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, પેનોરામિક ગ્લાસ રૂફ, ઓટો પાર્ક આસિસ્ટ, હેડ્સ-અપ ડિસ્પ્લે, ઇલેક્ટ્રિક ટેલગેટ, ડ્યુઅલ વાયરલેસ ચાર્જિંગ પેડ્સ અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સુરક્ષા માટે તેમાં 7 એરબેગ્સ અને Level-2 ADAS ઉપલબ્ધ છે.

ફીચર્સની દ્રષ્ટિએ Sierra EVનું ટ્રિપલ ડિસ્પ્લે સેટઅપ તેને વધુ ફ્યુચરિસ્ટિક બનાવે છે, જ્યારે BE 6 ઓટો પાર્ક આસિસ્ટ અને હેડ્સ-અપ ડિસ્પ્લે જેવા ફીચર્સ સાથે અલગ ઓળખ ઉભી કરે છે.

રેન્જમાં કોને મળે છે લીડ?

TATA Sierra EVમાં ઉપલબ્ધ 63kWh અને 75kWh બેટરી વિકલ્પો સાથે કંપની એક વખત ફુલ ચાર્જ પર 665 કિલોમીટર સુધીની રેન્જનો દાવો કરે છે.

Mahindra BE 6માં 59kWh અને 79kWh બેટરી વિકલ્પ ઉપલબ્ધ છે. કંપનીના દાવા મુજબ આ SUV એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ 683 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે.

આંકડાઓ મુજબ રેન્જના મામલે Mahindra BE 6ને લગભગ 18 કિલોમીટરનો નાનો ફાયદો મળે છે.

પાવર અને પરફોર્મન્સમાં કોણ આગળ?

TATA Sierra EVમાં QWD (Quad Wheel Drive) સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં ઇલેક્ટ્રિક મોટર્સ મળીને અંદાજે 305hp પાવર જનરેટ કરે છે. તેથી વધુ પાવર અને ઓલ-વ્હીલ ડ્રાઇવ જેવી ક્ષમતાને મહત્વ આપતા ગ્રાહકો માટે Sierra EV વધુ આકર્ષક વિકલ્પ બની શકે છે.

Mahindra BE 6માં AWD સેટઅપ ઉપલબ્ધ નથી અને તેની ઇલેક્ટ્રિક મોટર અંદાજે 282hp પાવર આપે છે. દૈનિક ઉપયોગ માટે આ પરફોર્મન્સ પૂરતું છે, પરંતુ પાવરના મામલે Sierra EVને સ્પષ્ટ લીડ મળે છે.

કઈ SUV કોના માટે વધુ યોગ્ય?

જો તમારું પ્રથમ ધ્યાન લાંબી ડ્રાઇવિંગ રેન્જ પર છે તો Mahindra BE 6 થોડો ફાયદો આપે છે. જો તમે વધુ પાવર, Quad Wheel Drive અને ફ્યુચરિસ્ટિક ટ્રિપલ સ્ક્રીન કેબિન ઈચ્છતા હો તો TATA Sierra EV વધુ આકર્ષક વિકલ્પ બની શકે છે. બંને SUVમાં પ્રીમિયમ ફીચર્સ, Level-2 ADAS અને આધુનિક ટેક્નોલોજી ઉપલબ્ધ હોવાથી અંતિમ પસંદગી તમારા બજેટ અને ઉપયોગ પર આધારિત રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now