Home Automobile Bike Chain Effect On Mileage Chain Maintenance Tips

બાઈકની ચેઇન પણ ઘટાડે છે માઈલેજ! : ઢીલી કે ટાઇટ ચેઇન કેટલું કરે છે નુકસાન?

Bike Chain, Bike Mileage
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2026, 05:46 PM IST

ભારતમાં લાખો લોકો રોજ ઓફિસ, કોલેજ અને અન્ય કામ માટે બાઈકનો ઉપયોગ કરે છે. દરેક રાઈડર ઈચ્છે છે કે તેની બાઈક વધુ માઈલેજ આપે અને લાંબા સમય સુધી કોઈ મોટી સમસ્યા વગર ચાલે. મોટાભાગના લોકો એન્જિન ઓઈલ, ટાયરની હવા અને પેટ્રોલની ગુણવત્તા પર ધ્યાન આપે છે, પરંતુ બાઈકની Drive Chainની જાળવણીને ઘણીવાર અવગણે છે. હકીકતમાં બાઈકની ચેઇન માત્ર પાછળના વ્હીલને ફેરવવાનું કામ જ કરતી નથી, પરંતુ તેનું યોગ્ય ટેન્શન અને લુબ્રિકેશન સીધું બાઈકના માઈલેજ, પરફોર્મન્સ અને એન્જિનની કાર્યક્ષમતા પર અસર કરે છે. જો ચેઇન વધુ ઢીલી અથવા જરૂર કરતાં વધુ ટાઇટ હોય તો એન્જિનને વધારાનો ભાર સહન કરવો પડે છે, જેના કારણે ઈંધણનો વપરાશ વધી શકે છે અને માઈલેજ ઘટી શકે છે.

બાઈકની ચેઇનનું માઈલેજ સાથે શું છે કનેક્શન?

બાઈકના એન્જિનમાંથી ઉત્પન્ન થતી શક્તિ Drive Chain મારફતે પાછળના વ્હીલ સુધી પહોંચે છે. જો ચેઇન યોગ્ય ટેન્શનમાં હોય અને તેના પર પૂરતું લુબ્રિકેશન કરવામાં આવ્યું હોય તો પાવર ટ્રાન્સફર સરળતાથી થાય છે. પરિણામે એન્જિન પર ઓછો ભાર પડે છે અને બાઈક વધુ સ્મૂથ રીતે ચાલે છે.

પરંતુ જો ચેઇન ખૂબ ઢીલી હોય તો પાવર ટ્રાન્સફરમાં વિલંબ અને ઘર્ષણ વધી શકે છે. બીજી તરફ વધુ ટાઇટ ચેઇન પણ એન્જિન, ગિયરબોક્સ અને અન્ય મિકેનિકલ ભાગો પર વધારાનો દબાણ લાવે છે. બંને પરિસ્થિતિમાં એન્જિનને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે ફ્યુઅલ કન્ઝમ્પશન વધી શકે છે અને માઈલેજમાં ઘટાડો જોવા મળી શકે છે.

ચેઇન ઢીલી થઈ ગઈ છે કે નહીં તે કેવી રીતે ઓળખશો?

બાઈકની ચેઇન ઢીલી થઈ ગઈ હોય તો કેટલાક સામાન્ય સંકેતો જોવા મળે છે.

  • બાઈક ચલાવતી વખતે પાછળના ભાગમાંથી અસામાન્ય અવાજ આવવો.

  • ગિયર બદલતી વખતે ઝટકો અનુભવાવવો.

  • એક્સિલેટર આપ્યા બાદ પણ બાઈક પહેલા જેવી સ્મૂથ ન લાગવી.

  • ચેઇન કવર સાથે અથડાતી હોવાની લાગણી થવી.

ઘરે પણ તેની સરળતાથી તપાસ કરી શકાય છે. બાઈકને ડબલ સ્ટેન્ડ પર ઉભી રાખીને હાથથી ચેઇનને ઉપર-નીચે હલાવી જુઓ. સામાન્ય રીતે મોટાભાગની બાઈકમાં ચેઇનનો 20થી 30 મિલીમીટર જેટલો ફ્રી મૂવમેન્ટ યોગ્ય માનવામાં આવે છે. જોકે ચોક્કસ માપ માટે હંમેશા વાહન ઉત્પાદકની Owner's Manualમાં આપેલી માહિતીનું પાલન કરવું જોઈએ.

વધુ ટાઇટ ચેઇન પણ નુકસાનકારક

ઘણા લોકો માને છે કે ચેઇન જેટલી વધુ ટાઇટ હશે તેટલું સારું. પરંતુ આ માન્યતા ખોટી છે.

જરૂર કરતાં વધુ ટાઇટ ચેઇન સતત તાણમાં રહે છે, જેના કારણે:

  • એન્જિન પર વધારાનો ભાર પડે છે.

  • ગિયરબોક્સના ભાગો ઝડપથી ઘસાય છે.

  • બેરિંગ્સ પર દબાણ વધે છે.

  • ચેઇન અને સ્પ્રોકેટનું આયુષ્ય ઘટી શકે છે.

  • લાંબા ગાળે ચેઇન તૂટવાનું જોખમ પણ વધી શકે છે.

આથી હંમેશા કંપની દ્વારા સૂચવેલા ટેન્શન મુજબ જ ચેઇન એડજસ્ટ કરવી જોઈએ.

લુબ્રિકેશન પણ એટલું જ જરૂરી

ચેઇનનું યોગ્ય લુબ્રિકેશન ન હોય તો ઘર્ષણ વધે છે અને પાવર ટ્રાન્સફર ઓછું અસરકારક બને છે. ધૂળ, કાદવ અથવા જંગ લાગેલી ચેઇન માત્ર માઈલેજ જ નહીં પરંતુ સમગ્ર રાઈડિંગ અનુભવને પણ અસર કરે છે.

નિયમિત અંતરે ચેઇનની સફાઈ કરીને યોગ્ય Chain Lubricantનો ઉપયોગ કરવાથી ચેઇન લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે છે અને માઈલેજ જાળવવામાં પણ મદદ મળે છે.

આ ભૂલો પણ ઘટાડે છે માઈલેજ

માત્ર ચેઇન જ નહીં, પરંતુ કેટલીક સામાન્ય ડ્રાઈવિંગ આદતો પણ બાઈકનું માઈલેજ ઘટાડે છે.

  • વારંવાર તેજ એક્સિલેરેશન આપવું.

  • અચાનક બ્રેક લગાવવી.

  • ખોટા ગિયરમાં બાઈક ચલાવવી.

  • જરૂર કરતાં વધુ વજન સાથે મુસાફરી કરવી.

  • ટાયરમાં ઓછી હવા રાખવી.

  • ગંદા Air Filter સાથે બાઈક ચલાવવી.

  • ખરાબ Spark Plugને સમયસર બદલવો નહીં.

  • સમયસર Engine Oil બદલવું નહીં.

  • નિયમિત સર્વિસિંગ ટાળવી.

આ તમામ કારણો એન્જિન પર વધારાનો ભાર મૂકે છે અને પરિણામે પેટ્રોલનો વપરાશ વધી શકે છે.

બાઈકની ચેઇન ક્યારે ચેક કરવી?

ઓટોમોબાઇલ નિષ્ણાતો સલાહ આપે છે કે બાઈકની ચેઇનની નિયમિત તપાસ કરવી જોઈએ. ખાસ કરીને લાંબી મુસાફરી પહેલાં અથવા વરસાદી સિઝનમાં ચેઇનની સ્થિતિ, ટેન્શન અને લુબ્રિકેશન તપાસવું લાભદાયી રહે છે. નિયમિત સર્વિસ દરમિયાન પણ મિકેનિક પાસે ચેઇન એડજસ્ટ કરાવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now