તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં મચી ગયો હાહાકાર. અચાનક થયેલા આ ધડાકાથી 16થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે બની ઘટના?
તમિલનાડુનાં વિરુધુનગર જિલ્લામાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં સંગ્રહિત જ્વલનશીલ સામગ્રીના કારણે આગ લાગી અને થોડા જ સમયમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર અનુભવાઈ હતી. ફેક્ટરીનો કેટલોક ભાગ તૂટી ગયો અને આગ ઝડપથી ફેલાઈ ગઈ.
જાનહાનિ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ
આ દુર્ઘટનામાં 16થી વધુ મજૂરના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બચાવ ટીમોએ ઘટના સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ પણ કેટલાક લોકો ફેક્ટરીના તૂટેલા ભાગ નીચે ફસાયેલા હોવાની આશંકા છે.
બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડરો કામે લગ્યા. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે, જેમાં ઘાયલોને બહાર કાઢવા અને આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે.
પ્રારંભિક તપાસ મુજબ, વિસ્ફોટ પાછળનું કારણ રસાયણિક પદાર્થોનો અયોગ્ય સંગ્રહ અથવા બેદરકારી હોઈ શકે છે. જો કે, સત્તાવાર રીતે ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. સત્તાવાળાઓએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.





