તમિલનાડુના રાજકારણમાં એક મોટો ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની નવી સરકારમાં કોંગ્રેસ સામેલ થવા જઈ રહી છે. આ સાથે જ રાજ્યમાં લગભગ 59 વર્ષ પછી કોંગ્રેસ સરકારનો ભાગ બનશે.
આજે બે કોંગ્રેસના ધારાસભ્યો લેશે શપથ
મુખ્યમંત્રી વિજયની કેબિનેટના આજના વિસ્તરણમાં કોંગ્રેસના બે વરિષ્ઠ ધારાસભ્યો, એસ. રાજેશ કુમાર (કિલિયૂર બેઠક) અને પી. વિશ્વનાથન (મેલૂર બેઠક) મંત્રી તરીકે શપથ લેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કેસી વેણુગોપાલે આ નિર્ણયને પાર્ટી માટે ઐતિહાસિક ગણાવ્યો છે. તમિલનાડુમાં વર્ષ 1967 પછી આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે કોંગ્રેસ કોઈ સરકારમાં સત્તાની ભાગીદાર બની રહી હોય.
સત્તાનું નવું સમીકરણ અને સાથી પક્ષો
પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજયની કેબિનેટમાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ગઠબંધનના અન્ય સાથી પક્ષો જેવા કે વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ને પણ સ્થાન મળી શકે છે. જોકે, AIADMK ના બળવાખોર નેતાઓને આ મંત્રીમંડળમાં જગ્યા મળવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.
DMK સાથે છેડો ફાડ્યા પછી મળી તક
તમિલનાડુમાં લાંબા સમયથી કોંગ્રેસ સત્તામાં ભાગીદારીની માંગ કરી રહી હતી, પરંતુ DMK ના પ્રમુખ એમ.કે. સ્ટાલિને ગઠબંધન સરકારના ફોર્મ્યુલાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આખરે ચૂંટણી પરિણામો પછી, 4 મેના રોજ કોંગ્રેસે પોતાના 5 ધારાસભ્યો સાથે DMK નો સાથ છોડીને વિજયની પાર્ટીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયે ગત 10 મેના રોજ 9 મંત્રીઓ સાથે શપથ લઈને સરકાર બનાવી હતી.





