Home National Tamil Nadu Election 1200 Crore Seized Pm Modi Mcc Violation Complaint

તમિલનાડુમાં ચૂંટણી પહેલા મોટું ઓપરેશન : રૂ.1200 કરોડની રોકડ અને સોનું જપ્ત, PM મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ

Tamil Nadu Election Cash Seized MCC Violation PM ModI
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 04:16 AM IST

Election Updates 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ પારદર્શક ચૂંટણી પ્રક્રિયા જાળવવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં રાજ્યભરમાંથી ₹1,200 કરોડથી વધુની અપ્રમાણસર રોકડ, ઝવેરાત અને નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આ જપ્તીએ રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

બીજી તરફ, રાજકીય ગરમાવો માત્ર જપ્તી પૂરતો સીમિત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં મહિલા અનામત બિલ મુદ્દે કરવામાં આવેલા દેશને સંબોધનને લઈને નવો વિવાદ છેડાયો છે. 700થી વધુ જાગૃત નાગરિકોએ ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરીને આ સંબોધનને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે. આ વિવાદો વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

તમિલનાડુમાં જપ્તીનો આંકડો ₹1200 કરોડને પાર

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, તમિલનાડુમાં અત્યાર સુધીમાં જે રકમ અને વસ્તુઓ જપ્ત થઈ છે તે ચોંકાવનારી છે. આ કાર્યવાહીમાં નીચે મુજબની મત્તા જપ્ત કરવામાં આવી છે:

  • રોકડ રકમ: ₹169.85 કરોડ.

  • સોનું અને ચાંદી: ₹650.87 કરોડની કિંમતના કિંમતી ઘરેણાં.

  • અન્ય વસ્તુઓ: મોટા પ્રમાણમાં દારૂ, ડ્રગ્સ અને મતદારોને લોભાવવા માટે રાખવામાં આવેલી ફ્રીબીઝ (મફતની ભેટો).

ચૂંટણી પંચનું કહેવું છે કે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે આ પ્રકારની સઘન તપાસ હજુ પણ ચાલુ રહેશે.

PM મોદીના સંબોધન સામે 700 નાગરિકોનો મોરચો

18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલને લઈને દેશને સંબોધન કર્યું હતું. આ સંબોધન સામે પૂર્વ અમલદારો, પત્રકારો અને સામાજિક કાર્યકરો સહિત 700 જેટલા નાગરિકોએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.

ફરિયાદના મુખ્ય મુદ્દાઓ:

  1. સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ: દૂરદર્શન, સંસદ ટીવી અને ઓલ ઈન્ડિયા રેડિયો જેવા સરકારી માધ્યમો પર આ સંબોધન પ્રસારિત કરવામાં આવ્યું હતું, જે આચારસંહિતા (MCC) મુજબ પક્ષપાતી પ્રચાર ગણાય.

  2. સમાન તકનો અભાવ: જો વડાપ્રધાનને સંબોધનની મંજૂરી અપાઈ હોય, તો વિપક્ષી નેતાઓને પણ પોતાના વિચારો રજૂ કરવા માટે સમાન સમય મળવો જોઈએ.

આ પણ વાંચો: મણિપુરમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા : સમગ્ર રાજ્યમાં અજંપાભરી સ્થિતિ, લોકોમાં દહેશત

ચૂંટણી લક્ષી અન્ય મહત્વના અપડેટ્સ

  • મમતા બેનર્જીના પ્રહાર: બંગાળના સીએમ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે રેલવે, પ્લેન અને અન્ય સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે.

  • રાહુલ ગાંધીનું નિવેદન: તમિલનાડુમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપે જે રીતે બિહારમાં નીતિશ કુમારને હટાવીને સત્તા મેળવી, તેવી જ રીતે તેઓ તમિલનાડુમાં પણ 'રિમોટ કંટ્રોલ'થી ચાલતી કઠપૂતળી સરકાર બનાવવા માંગે છે.

  • વિજય (TVK ચીફ) મુશ્કેલીમાં: મદ્રાસ હાઈકોર્ટે TVK પાર્ટીના ચીફ વિજયને નોટિસ પાઠવી છે. તેમના અલગ-અલગ ચૂંટણી સોગંદનામામાં સંપત્તિના આંકડામાં ₹100 કરોડનો તફાવત હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now