Tamil Nadu Election 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે આજે તમામ 234 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં સામાન્ય જનતાની સાથે-સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સે પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. વહેલી સવારથી જ ચેન્નઈના વિવિધ મતદાન કેન્દ્રો પર ફિલ્મી સિતારાઓની લાઈનો જોવા મળી હતી. સુપરસ્ટાર રજનીકાંતથી લઈને કમલ હાસન અને વિજય સેતુપતિ જેવા દિગ્ગજોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સેલેબ્સની હાજરીને કારણે પોલિંગ બૂથ પર ચાહકોની પણ ભારે ભીડ ઉમટી પડી હતી, જેને નિયંત્રિત કરવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
આ ચૂંટણી રાજકીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે, કારણ કે સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય આ વખતે પોતાની નવી પાર્ટી 'તમિલગા વેટ્ટ્રી કઝગમ' (TVK) સાથે મેદાનમાં છે. તેમની પાર્ટી તમામ ૨૩૪ બેઠકો પર એકલે હાથે ચૂંટણી લડી રહી છે, જેના કારણે આ વખતે મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. મતદાન કર્યા બાદ તમામ કલાકારોએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને જનતાને, ખાસ કરીને યુવાનોને, મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી મતદાન કરવા અપીલ કરી હતી.
થલાપતિ વિજયનું શક્તિ પ્રદર્શન: બે બેઠકો પરથી લડી રહ્યા છે ચૂંટણી
તમિલનાડુની આ ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર થલાપતિ વિજય રહ્યા છે. વિજયે ચેન્નઈના પોલિંગ બૂથ પર પહોંચીને પોતાનો મત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિજય પોતે પેરમ્બુર અને તિરુચિરાપલ્લી પૂર્વ એમ બે બેઠકો પરથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમની રાજકીય એન્ટ્રીએ તમિલનાડુના સમીકરણો બદલી નાખ્યા છે. વિજયના ચાહકોએ મતદાન કેન્દ્ર પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
વિજયે ચેન્નઈના પોલિંગ બૂથ પર પહોંચીને પોતાનો મત આપ્યો
સુપરસ્ટાર્સનો જમાવડો: રજનીકાંત અને કમલ હાસને આપ્યો વોટ
દક્ષિણ ભારતના ભગવાન ગણાતા રજનીકાંત પોએસ ગાર્ડન સ્થિત પોતાના નિવાસસ્થાનેથી નીકળીને સ્ટેલા મેરિસ સ્કૂલના પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. સાદા પોશાકમાં પહોંચેલા રજનીકાંતે શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. બીજી તરફ, મક્કલ નિધિ મૈયમના વડા અને દિગ્ગજ અભિનેતા કમલ હાસન તેમની પુત્રી શ્રુતિ હાસન સાથે ચેન્નઈના અલવરપેટ સ્થિત સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા. પિતા-પુત્રીની જોડીને જોવા માટે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.
રજનીકાંત પોએસ ગાર્ડન સ્થિત પોતાના નિવાસસ્થાનેથી નીકળીને સ્ટેલા મેરિસ સ્કૂલના પોલિંગ બૂથ પર પહોંચ્યા
દિગ્ગજ અભિનેતા કમલ હાસન તેમની પુત્રી શ્રુતિ હાસન સાથે ચેન્નઈના અલવરપેટ સ્થિત સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા
સેલેબ્સની હાજરી: અજીત, ધનુષ અને તૃષાએ પણ મતાધિકાર વાપર્યો
લોકપ્રિય અભિનેતા અજીત કુમાર વહેલી સવારે જ તિરુવનમિયુર પોલિંગ સ્ટેશન પર પહોંચી ગયા હતા, જેથી ભીડથી બચી શકાય. આ ઉપરાંત, સાઉથ સ્ટાર ધનુષ અને અભિનેત્રી તૃષા કૃષ્ણને પણ ચેન્નઈમાં મતદાન કર્યું હતું. તૃષા હાલમાં થલાપતિ વિજય સાથેની ફિલ્મો અને ચર્ચાઓને કારણે સમાચારોમાં છે. 'બાહુબલી' ફેમ કટપ્પા એટલે કે સત્યરાજ, અરવિંદ સ્વામી, પ્રભુ અને વિક્રમ પ્રભુએ પણ પરિવાર સાથે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી.
લોકપ્રિય અભિનેતા અજીત કુમારે વહેલી સવારે વોટ આપ્યો
સાઉથ સ્ટાર ધનુષે ચેન્નઈમાં મતદાન કર્યું
અભિનેત્રી તૃષા કૃષ્ણને પણ ચેન્નઈમાં મતદાન કર્યું
વિજય સેતુપતિ અને વિક્રમ પ્રભુની જનતાને અપીલ
મતદાન કર્યા બાદ 'મહારાજા' ફેમ વિજય સેતુપતિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "મહેરબાની કરીને આવો અને મતદાન કરો, આ આપણી સૌથી મોટી જવાબદારી છે." બીજી તરફ એક્ટર વિક્રમ પ્રભુએ યુવાનો પર ભાર મૂકતા કહ્યું કે, યુવાનો રાજકારણમાં રસ લે તે દેશના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ વખતે રેકોર્ડબ્રેક મતદાન થશે.





