logo-img
Taliban Punishes Family Members For Running Away From A Loving Couple In Masad Bardoli

બારડોલીના મસાડમાં પ્રેમી યુગલ ફરાર થતા પરિજનોને તાલિબાની સજા! : પ્રેમી યુગલ ફરાર થતા યુવકના માતા-બહેન અને ભાઈનું ગામમાં સરઘસ કાઢ્યું, થાંભલે બાંધી માર માર્યો

બારડોલીના મસાડમાં પ્રેમી યુગલ ફરાર થતા પરિજનોને તાલિબાની સજા!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 07:04 AM IST

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાડ ગામમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ચોંકાવનારી અને દિલદહેલાવી દે ઘટના સામે આવી છે. પ્રેમલગ્નના મામલે ઉદ્ભવેલી અદાવતને કારણે યુવતીના પરિવારજનોએ જાણે ‘તાલિબાની સજા’ આપતા હોય તેમ નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમી યુગલ ફરાર થઈ જતા ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનો અને તેમના સમાજના લોકો યુવકના ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવકના માતા, બહેન તથા ભાઈને કોઈ પૂછપરછ કર્યા વિના માર માર્યો હતો.

‘તાલિબાની સજા’

મળતી માહિતી મુજબ, મસાડ ગામનો એક યુવક અન્ય સમાજની યુવતીને લઈને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘર છોડીને નાસી ગયો હતો. આ બાબતની દાઝ રાખી યુવતીના પરિવારજનો તથા સમાજના 6 થી 7 લોકો હથિયારો સાથે યુવકના ઘરે ત્રાટક્યા હતા. યુવકના ભાઈ જેનિશના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ ઘરમાં ઘૂસી તેમની માતા, બહેન અને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ત્રણેયને મારતા-મારતા આખા ગામમાં ફેરવી સરઘસ કાઢવામાં આવ્યું હતું અને અંતે ગામના ચોરે ઝાડ અને થાંભલા સાથે દોરડાથી બાંધી જાહેરમાં બેરહેમ રીતે ફટકારવામાં આવ્યા હતા.

આદિવાસી સમાજમાં ભારે રોષ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આદિવાસી સમાજના અગ્રણી ભીખુ હળપતિએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું હતું કે, “નિર્દોષ મહિલાઓ અને યુવકને જાહેરમાં ગામમાં ફેરવી માર મારવાની ઘટના આદિવાસી સમાજ ક્યારેય ચલાવી લેશે નહીં. જો પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરીને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ નહીં કરે, તો સમગ્ર બારડોલી તાલુકાના આદિવાસીઓ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે અને જરૂર પડશે તો બંધનું એલાન પણ કરવામાં આવશે.”

કડક કાર્યવાહીની માંગ

આ ઘટનામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા યુવક જેનિશને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર પરિવારે બારડોલી પોલીસ મથકે પહોંચી આરોપીઓ સામે કડક કાર્યવાહી અને સખત સજાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ જાહેરમાં કાયદો હાથમાં લઈને આવી રીતે અમાનવીય વર્તન કરનાર તત્વો સામે પોલીસ કેવી અને કેટલી કડક કાર્યવાહી કરે છે તેના પર સમગ્ર વિસ્તારની નજર ટકી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now