Home Gujarat Systematic Scam Of Grabbing Tribal Land Whosepressure Are The Collectors Under Dr Tushar Chaudhary

કલેક્ટરો કોના દબાણ હેઠળ? ડૉ. તુષાર ચૌધરીનો ગૃહમાં વેધક સવાલ : '3 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં ખોટું થયું હોય, પરંતુ ખોટું એ ખોટું જ છે'

કલેક્ટરો કોના દબાણ હેઠળ? ડૉ. તુષાર ચૌધરીનો ગૃહમાં વેધક સવાલ
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 03:17 PM IST

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ આદિવાસી વિસ્તારોમાં જમીન પચાવી પાડવાના ખેલ અને વહીવટી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આદિવાસીઓની જમીન સુરક્ષિત રહે તે માટે 73AA ના કાયદાની કડક અમલવારી કરવી સરકાર માટે અનિવાર્ય છે.

જમીન હડપવાની નવી મોડસ ઓપરેન્ડી

ડૉ. ચૌધરીએ ધ્યાન દોર્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં આવેલા મોટા શહેરોમાં આદિવાસીઓની કિંમતી જમીનો 'વિલ' (વસિયતનામું) કે વારસાઈના નામે લખાવી લેવામાં આવે છે. ત્યારબાદ આ જમીનોનું એન.એ. (બિનખેતી) કરાવીને ત્યાં મોટી સોસાયટીઓ અને બિલ્ડિંગો ઉભા કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયામાં કાયદાકીય છટકબારીઓનો ભરપૂર ઉપયોગ થાય છે.

ન્યાયિક પ્રક્રિયામાં વિરોધાભાસ અને વિલંબ

તેમણે મહેસૂલ વિભાગના અધિકારીઓની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જ્યારે આદિવાસી ન્યાય માટે મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર પાસે જાય છે, ત્યારે અલગ-અલગ સ્તરે વિરોધાભાસી ચુકાદાઓ મળે છે.જો આદિવાસી તમામ સ્તરે જીતી જાય, તો પણ હાઈકોર્ટમાંથી 'સ્ટે' લાવીને દસ-વીસ વર્ષ સુધી કેસ લટકાવી રાખવામાં આવે છે.જમીન એક છે, કાયદો એક છે, તો પછી અધિકારીઓના જજમેન્ટ કેમ ઉલટ-સુલટ હોય છે?"તેવો સવાલ તેમણે પૂછ્યો હતો.

૩ વર્ષની મર્યાદા: ભ્રષ્ટાચાર માટેની છટકબારી?

હાઈકોર્ટના એક રુલિંગ મુજબ, પૂર્વ કલેક્ટરના નિર્ણય સામે 'સુઓમોટો' કાર્યવાહી માત્ર ૩ વર્ષમાં જ થઈ શકે છે. ડૉ. ચૌધરીએ આ મુદ્દે સરકારને ઘેરતા કહ્યું કે, "૩ વર્ષ પહેલાં, ૧૦ વર્ષ પહેલાં કે ૩૦ વર્ષ પહેલાં ખોટું થયું હોય, પણ ખોટું એ ખોટું જ છે."આ સમયમર્યાદાનો લાભ લઈને આદિવાસીઓની જમીન પચાવી પાડનારાઓને રક્ષણ મળી રહ્યું છે, જે ૭૩એએ ના મૂળ કાયદાને નબળો પાડે છે.

કલેક્ટરો જેલમાં, પણ અસલી માસ્ટરમાઈન્ડ કોણ?

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા જમીન કૌભાંડોનો ઉલ્લેખ કરતા તેમણે આંકડાકીય વિગતો આપી. *દાહોદ: નકલી કલેક્ટર કચેરી બનાવી ૨૦૦૦ કરોડના એન.એ. ઓર્ડર થઈ ગયા.ગાંધીનગર & સુરેન્દ્રનગર: કલેક્ટરો હજારો કરોડના કૌભાંડમાં જેલમાં છે. સુરત: 2000 કરોડની સરકારી જમીનમાં ખાનગી નામો ચડાવી દેવાયા.ડૉ. ચૌધરીએ સવાલ કર્યો કે એક IAS અધિકારી, જેનું ભવિષ્ય અને સુવિધાઓ સુરક્ષિત છે, તે હજારો કરોડનું જોખમ કેમ લે? કલેક્ટરને માત્ર બલીનો બકરો બનાવવામાં આવે છે. તપાસ એ થવી જોઈએ કે તેમની પાછળ કયા ભૂમાફિયા, કોર્પોરેટ લોબી કે રાજકીય નેતાઓનું દબાણ છે? કોના ઈશારે આટલા મોટા કૌભાંડો આચરવામાં આવે છે?"

વક્તવ્યના અંતે તેમણે સરકારને વિનંતી કરી કે માત્ર અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી ન્યાય નહીં મળે. આદિવાસીઓની જમીન ખરેખર સુરક્ષિત રહે અને પચાવી પાડેલી જમીનો મૂળ માલિકોને પરત મળે તે માટે નક્કર પગલાં ભરવા જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now