ફ્રાન્સમાં વાર્ષિક સ્ટ્રીટ મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન ૧૪૫ લોકોને સિરીંજથી ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે ૧૨ શંકાસ્પદોની ધરપકડ કરી છે. સીએનએનના અહેવાલ મુજબ શનિવારે સાંજે લાખો લોકો ફેટ ડે લા મ્યુઝિક માટે ફ્રાન્સના રસ્તાઓ પર નીકળ્યા હતા અને આ દરમિયાન ભારે ભીડ હતી. ભીડનો લાભ લઈને શંકાસ્પદોએ લોકો પર સિરીંજથી હુમલો કર્યો હતો.
મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી
ફ્રેન્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ પહેલા પણ સ્નેપચેટ અને અન્ય સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં સંગીત ઉત્સવ દરમિયાન મહિલાઓને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી. ફ્રેન્ચ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ૧૪૫ પીડિતો પર સિરીંજથી હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
ફ્રાન્સે આ બાબતને ગંભીરતાથી લીધી
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ સીએનએનને જણાવ્યું હતું કે "મંત્રાલય આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. તપાસ ચાલુ છે." અધિકારીઓએ સ્પષ્ટતા કરી નથી કે શું આ રોહિપ્નોલ અથવા જીએચબી જેવી ડેટ-રેપ ડ્રગ્સ ઇન્જેક્શનના કેસ છે જેનો ઉપયોગ હુમલાખોરો પીડિતોને મૂંઝવણમાં મૂકવા અથવા શાંત કરવા અને જાતીય હુમલો કરવા માટે કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે "કેટલાક પીડિતોને ઝેરના પરીક્ષણ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે."
પેરિસ પોલીસ વડાએ શું કહ્યું?
મળતી માહિતી અનુસાર પેરિસ પોલીસ વડા લોરેન્ટ નુનેઝે કહ્યું કે પેરિસમાં સામાન્ય દિવસ કરતાં ત્રણથી ચાર ગણા વધુ લોકો રસ્તાઓ પર હતા. "આ અત્યંત ગંભીર ઘટનાઓ છે" પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં અલગ અલગ ઘટનાઓમાં 15 વર્ષની છોકરી અને 18 વર્ષના એક પુરુષ સહિત ત્રણ લોકોને ઇન્જેક્શન આપવામાં આવ્યાના અહેવાલો બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્રણેય લોકોએ કહ્યું કે ઇન્જેક્શન આપ્યા પછી તેઓ અસ્વસ્થતા અનુભવે છે.
14 લોકો ગંભીર રીતે ઘાયલ
ફ્રેન્ચ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે સોય ભોંકવાની ઘટનાઓ ઉપરાંત પોલીસે શનિવારે ફ્રાન્સમાં વિવિધ ઘટનાઓ માટે 371 લોકોની ધરપકડ કરી હતી જેમાંથી લગભગ 90 પેરિસમાં હતા. સ્ટ્રીટ મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપનારા 17 વર્ષના કિશોર સહિત 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કિશોરને પેટમાં છરાના ઘા હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.






