Chandranath Rath Case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસાએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામમાં ભાજપના દિગ્ગજ નેતા અને વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની સનસનાટીભરી હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે ફિલ્મી ઢબે પીછો કરીને કરવામાં આવેલા આ હુમલાએ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ચંદ્રનાથ રથ શુભેન્દુ અધિકારીના અત્યંત વિશ્વાસુ ગણાતા હતા અને આ ઘટનાને ભાજપે રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે.
આ હત્યાકાંડ જે રીતે આચરવામાં આવ્યો છે તે કોઈ રીતસરના 'ટાર્ગેટ કિલિંગ' તરફ ઈશારો કરે છે. હુમલાખોરોએ માત્ર ચંદ્રનાથને જ નિશાન બનાવ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ ચોક્કસ મનસૂબા સાથે આવ્યા હતા. ઘટના બાદ પોલીસ તંત્ર અને ફોરેન્સિક ટીમો એક્શનમાં આવી છે અને રાજ્યના DGPએ પોતે તપાસની કમાન સંભાળી છે.
બંગાળમાં કેવી રીતે ખેલાયો ખૂની ખેલ?: ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના PA સાથે રાત્રે ખરેખર શું બન્યું હતું? જાણો અંદરની વાત
રાત્રિનો સમય અને ફિલ્મી સ્ટાઈલથી પીછો
ઘટનાની વિગત મુજબ, ચંદ્રનાથ રથ જ્યારે પોતાની સ્કોર્પિયો કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ફોર-વ્હીલર અને બાઇક તેમનો પીછો કરી રહ્યા હતા. મધ્યગ્રામના દોહરિયા વિસ્તારમાં પીછો કરતી કારે ચંદ્રનાથની ગાડીને ઓવરટેક કરીને આંતરી હતી. કાર ધીમી પડતાની સાથે જ બાઇક સવાર હુમલાખોરો નજીક આવ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં કુલ 10 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં ચંદ્રનાથની છાતીમાં જ 5 ગોળીઓ ધરબી દેવામાં આવી હતી.
વિદેશી પિસ્તોલનો ઉપયોગ અને ડ્રાઈવરની હાલત ગંભીર
આ હિંસક હુમલામાં ચંદ્રનાથ રથના ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જે હાલ કોલકાતાની SSKM હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તપાસકર્તાઓને ઘટનાસ્થળેથી જે કારતૂસના ખોખા મળ્યા છે તે પરથી શંકા સેવાઈ રહી છે કે હુમલામાં ઓસ્ટ્રિયામાં બનેલી અત્યાધુનિક 'ગ્લોક પિસ્તોલ' (Glock Pistol) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, ફોરેન્સિક તપાસ બાદ જ હથિયાર અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે.
કેવી રીતે થઈ શુભેન્દુ અધિકારીના PA ની હત્યા?: પ્રત્યક્ષદર્શીએ કર્યો સનસનીખેજ ખુલાસો!
નંબર પ્લેટ વગરની બાઇક અને પોલીસની કાર્યવાહી
હુમલાખોરો પૂરા પ્લાનિંગ સાથે આવ્યા હોવાના પુરાવા મળી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં વપરાયેલી મોટરસાઇકલ પર કોઈ રજીસ્ટ્રેશન પ્લેટ નહોતી. પશ્ચિમ બંગાળના DGP સિદ્ધાર્થ નાથ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોલીસે એક શંકાસ્પદ ગાડી જપ્ત કરી છે જેની નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આ ગાડીમાંથી જીવતી ગોળીઓ અને વપરાયેલા કારતૂસ પણ મળી આવ્યા છે. હાલ જેસોર રોડ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની સઘન તપાસ ચાલી રહી છે.
રાજકીય અદાવત કે ટાર્ગેટ કિલિંગ?
ભાજપના નેતાઓએ આ હત્યાને સ્પષ્ટપણે રાજકીય હત્યા ગણાવી છે. ચંદ્રનાથ રથ વર્ષોથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને હાઈ-પ્રોફાઈલ ભવાનીપુર ચૂંટણીમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપ નેતા કિયા ઘોષ અને સુકાંત મજુમદારે દાવો કર્યો છે કે આ હુમલો એક સીધો રાજકીય સંદેશ છે અને વિરોધીઓએ જાણીજોઈને શુભેન્દુ અધિકારીના વિશ્વાસુને નિશાન બનાવ્યા છે.
બંગાળમાં ખુની ખેલ: શુભેન્દુ અધિકારીના PAની હત્યા
કોણ હતા ચંદ્રનાથ રથ?
ચંદ્રનાથ રથને અધિકારીના વિશ્વાસુ સહયોગી માનવામાં આવતા હતા અને તેઓ ઘણા વર્ષોથી તેમની સાથે નજીકથી જોડાયેલા હતા. તેઓ રાજકીય કાર્યોમાં સક્રિયપણે સામેલ હતા, જેમાં હાઈ-પ્રોફાઈલ ભવાનીપુર ચૂંટણી પણ સામેલ છે. ભાજપના વરિષ્ઠ નેતા કિયા ઘોષે દાવો કર્યો કે ચંદ્રનાથને તેમની રાજકીય ભૂમિકાને કારણે નિશાન બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું, 'ચંદ્રનાથે શુભેન્દુ અધિકારી માટે ખૂબ જ મહેનતથી કામ કર્યું. આ કોઈ અચાનક બનેલી ઘટના નથી. આ હત્યા પાછળ રાજકીય અદાવત હોઈ શકે છે.'





