Home Entertainment Suriya Karuppu Box Office Collection Tamil Cinema Next Superstar

થલપતિ વિજય બાદ હવે સૂર્યા બનશે તમિલ સિનેમાના નવા સુપરસ્ટાર! : માત્ર 3 દિવસમાં ‘કરુપ્પુ’ ફિલ્મ બની સૂર્યાના કરિયરની સૌથી મોટી હિટ

After Thalapathy, now Suriya will become new superstar of Tamil cinema
Published by: Vaishnavi Pathak
Last Updated: May 19, 2026, 08:31 AM IST

સાઉથના સ્ટાર સૂર્યાએ બોક્સ ઓફિસ પર એવો ધમાકો કર્યો છે, જેની રાહ તેમના ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. સૂર્યાની નવી ફિલ્મ ‘કરુપ્પુ’ (Karuppu) શુક્રવારે રિલીઝ થઈ હતી અને માત્ર 3 દિવસમાં જ આ ફિલ્મ તેમના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. સૂર્યાનો આ ધમાકો એવા સમયે આવ્યો છે જ્યારે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર્સની ભારે અછત જોવા મળી રહી છે. ઇન્ડસ્ટ્રી હંમેશા સૂર્યામાં એક મોટા સુપરસ્ટાર બનવાની ક્ષમતા જોતી હતી, પરંતુ તેમના ખાતામાં એક એવો મોટો ધમાકો બાકી હતો જે બોક્સ ઓફિસને હલાવી દે. ફાઇનલી ‘કરુપ્પુ’ ફિલ્મથી સૂર્યાએ એ કમાલ કરી બતાવ્યો છે.

‘કરુપ્પુ’ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ મચાવી ધૂમ

સૂર્યાની ફિલ્મ ‘કરુપ્પુ’ છેલ્લા કેટલાક સમયથી સતત પાછી ઠેલાઈ રહી હતી. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ જનતાને એક મોટા ધમાકાની આશા હતી. આ વખતે પણ શુક્રવારે ફિલ્મની રિલીઝમાં થોડી અડચણો આવી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજય તરફથી ‘સ્પેશિયલ શો’ની મંજૂરી મળવા છતાં ફાઇનાન્સિયલ ઇશ્યૂઝના કારણે શો સમયસર શરૂ થઈ શક્યા નહોતા. જો કે, રેગ્યુલર શો શરૂ થતા જ ફિલ્મને અદભુત રિસ્પોન્સ મળ્યો અને પહેલા દિવસથી જ સાબિત થઈ ગયું કે આ ફિલ્મ મોટો રેકોર્ડ બનાવશે.

મીડિયા રિપોર્ટ્સ અને ટ્રેડ સોર્સિસ અનુસાર, શુક્રવારથી રવિવાર સુધીના પહેલા વીકેન્ડમાં જ ‘કરુપ્પુ’ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 120.75 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. આ સૂર્યાના કરિયરનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન છે. સૂર્યાના ખાતામાં સફળ ફિલ્મો તો ઘણી છે, પરંતુ તેઓ બોક્સ ઓફિસ પર એ મોટા આંકડા મેળવી શકતા નહોતા જે તેમને આગલા લેવલ પર લઈ જાય. આ ફિલ્મ પહેલા સૂર્યાની સૌથી મોટી હિટ 2013માં આવેલી ‘સિંઘમ 2’ (Singam 2) હતી, જેનું વર્લ્ડવાઈડ લાઈફટાઈમ કલેક્શન આશરે 125 કરોડ રૂપિયા હતું. પરંતુ ‘કરુપ્પુ’એ માત્ર 3 દિવસમાં જ 120.75 કરોડની કમાણી કરીને સૂર્યાની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડવાની શરૂઆત કરી દીધી છે.

વિજય સાથે સૂર્યાની હતી સીધી ટક્કર

રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજ સુપરસ્ટાર્સ પછી તમિલ ઇન્ડસ્ટ્રીમાં આગામી સુપરસ્ટાર બનવાની રેસ વિજય, સૂર્યા, વિક્રમ અને અજિત કુમાર વચ્ચે હતી. 2003થી 2013 સુધી સૂર્યા માત્ર વિજય સાથે ટક્કરમાં નહોતા, પરંતુ કેટલાક વર્ષોમાં તો તેઓ વિજયથી પણ આગળ નીકળી ગયા હતા. 2003માં સૂર્યાની ‘કાખા કાખા’ (જેની હિન્દી રિમેક જોન અબ્રાહમની ‘ફોર્સ’ હતી) બ્લોકબસ્ટર રહી હતી. આ સિવાય સિંઘમ ફ્રેન્ચાઈઝીની ફિલ્મો અને ‘ગજની’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કર્યો હતો. તમિલ સ્ટાર્સની નવી પેઢીમાં સૌથી પહેલા 100 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કરનાર સ્ટાર સૂર્યા જ હતા, જેમણે 2011માં ‘7aum Arivu’ ફિલ્મથી આ સિદ્ધિ મેળવી હતી.

પરંતુ 2012 પછી વિજયે એવી સ્પીડ પકડી કે બાકીના બધા પાછળ રહી ગયા. વિજયની ફિલ્મો માટે 100 કરોડ કે 150 કરોડનો બિઝનેસ સામાન્ય થઈ ગયો અને ધીમે-ધીમે તેમની ફિલ્મો 600 કરોડ સુધી પહોંચવા લાગી. બીજી તરફ, સૂર્યા નવી-નવી ભૂમિકાઓ અને પ્રયોગો (Experiments) કરવામાં વધુ વ્યસ્ત રહ્યા, જેના કારણે તેઓ માસ-સિનેમાના એ ફોર્મ્યુલાથી થોડા દૂર થઈ ગયા જે બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડે છે. પરિણામે સૂર્યા એક્ટિંગના મામલે શાનદાર રહ્યા પરંતુ બોક્સ ઓફિસની રેસમાં પાછળ છૂટી ગયા હતા.

હવે સૂર્યા પાસે સુપરસ્ટાર બનવાની સોનેરી તક કેમ છે?

હાલમાં તમિલ સિનેમામાં સુપરસ્ટારનું મોટું વેક્યુમ (ખાલીપો) સર્જાયું છે. રજનીકાંત હવે એવા ઝોનમાં છે જ્યાં તેમની ફિલ્મો ક્યારેક ધમાકો કરે છે તો ક્યારેક નથી કરતી. દર વખતે બ્લોકબસ્ટરની ગેરંટી આપનારા થલપતિ વિજય હવે એક્ટિંગ કરિયર છોડીને સક્રિય રાજકારણમાં આવી ગયા છે અને તમિલનાડુના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. તેમની હવે માત્ર એક છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ (Jan Nayakan) આવવાની બાકી છે. અન્ય સ્ટાર અજિત કુમારને સ્ટારડમ કરતાં રેસિંગ ટ્રૅક પર વધુ રસ રહે છે, જ્યારે ધનુષે ક્યારેય પોતાને ટિપિકલ માસ-સ્ટારની ઈમેજમાં બાંધ્યા નથી.

આવા સંજોગોમાં વિજય પછી તમિલ ઇન્ડસ્ટ્રીને જે મોટા માસ-હીરોની જરૂર છે, તે જગ્યા સૂર્યા લઈ શકે છે. જનતા તેમને ખૂબ પ્રેમ કરે છે અને તેમની એક્ટિંગ સ્કીલ્સ અદભુત છે. સૌથી મોટી વાત એ છે કે વિજય અને સૂર્યા વચ્ચે ઘણી સારી મિત્રતા છે, જેના કારણે વિજયના ફેન્સ પણ સૂર્યાને પૂરો સપોર્ટ કરે છે. જે ફેન્સે એક એક્ટરને મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચાડ્યા, તે ફેન્સ હવે સૂર્યાને તમિલ સિનેમાના આગામી સૌથી મોટા સુપરસ્ટાર બનાવવા માટે તૈયાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now