Home Gujarat Surats Pranay Parmar Earned Lakhs From Kashmiri Saffron

સુરતમાં ખીલ્યું ‘કાશ્મીરી કેસર’ : ઘરના 150 સ્ક્વેર ફૂટમાં જ યુવકે કરી દીધી કરોડોની ખેતી!

સુરતમાં ખીલ્યું ‘કાશ્મીરી કેસર’
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 06:32 AM IST

Kashmiri saffron cultivation: કાશ્મીરના ઠંડા વાતાવરણ વગર પણ કેસર ઉગાડી શકાય છે એ વાત હવે સુરતના એક યુવકે સાબિત કરી દીધી છે. શહેરના વેસુ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય પ્રણય પરમારે પોતાના ઘરની માત્ર 150 ચોરસ ફૂટ જગ્યામાં હાઈટેક ઈન્ડોર ફાર્મિંગથી કાશ્મીરી કેસરની સફળ ખેતી શરૂ કરી છે અને વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પ્રણયે કેસરના ક્રોકસ સેટાઈવસ (Crocus Sativus) કંદને વૈજ્ઞાનિક રીતે એરોપોનિક્સ અને હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગાડવા માટે ખાસ હાઈટેક રૂમ તૈયાર કર્યો છે.

કેસરના ફૂલને ઠંડકની જરૂર

આ રૂમમાં ખાસ LED ગ્રોથ લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. કાશ્મીરમાં કેસરના ફૂલને ઠંડકની જરૂર પડે છે, પણ પ્રણયે એ જ વાતાવરણ કંટ્રોલ્ડ રૂમમાં બનાવી લીધું છે. પ્રણયે ઈરાન અને કાશ્મીરથી ઉચ્ચ ગુણવત્તાવાળા કેસરના કોર્મસ (કંદ) મંગાવ્યા હતા. એને લેબમાં ખાસ ટ્રીટમેન્ટ આપીને ફૂલ આવરી લીધા. એક કિલો કેસર ઉગાડવા માટે લગભગ 1.5થી 2 લાખ ફૂલોની જરૂર પડે છે, પણ તેમની પદ્ધતિથી ઉત્પાદન ખર્ચ ઘણો ઓછો આવે છે, એમ પ્રણય પરમારે જણાવ્યું. હાલ તેઓ વર્ષે 4 થી 5 કિલો શુદ્ધ કેસરનું ઉત્પાદન કરી રહ્યા છે, જેની બજારકિંમત ₹3.5 લાખથી ₹5 લાખ પ્રતિ કિલો સુધી છે.

કાશ્મીરનું કેસર હવે સુરતના ઘરે

એટલે કે માત્ર150 સ્ક્વેર ફૂટની જગ્યામાંથી વાર્ષિક ₹15 લાખથી ₹25 લાખ સુધીની આવક થઈ રહી છે. આ કેસરની ગુણવત્તા ISO લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યા બાદ કેટેગરી-1 મળી છે, જે વિશ્વની સૌથી ઉચ્ચ ગુણવત્તા ગણાય છે. પ્રણય હવે પોતાનો વ્યવસાય વિસ્તારવા માંગે છે અને ગુજરાતના અન્ય યુવાનોને પણ આ તકનીક શીખવીને સ્ટાર્ટઅપ બનાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે. “કાશ્મીરનું કેસર હવે સુરતના ઘરેથી પણ મળશે, અને એ પણ સંપૂર્ણપણે ઓર્ગેનિક અને શુદ્ધ,” એમ તેમણે હસતાં-હસતાં કહ્યું. સુરતની આ નવી કેસર ક્રાંતિ દેશભરમાં ચર્ચાનો વિષય બની રહી છે અને ઈન્ડોર ફાર્મિંગની અપાર સંભાવનાઓ દર્શાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now