Home Gujarat Surat Surat Varachha Car Accident Scorpio Hit And Run Blew Away 3 Women

સુરતના વરાછામાં તથ્યવાળી થઈ : પૂરઝડપે આવતી સ્કોર્પિયોએ 3 મહિલાઓને ઉડાવી, લોહીલુહાણ દ્રશ્યોથી રિંગરોડ ધ્રૂજી ઉઠ્યો

Surat car accident Scorpio Hit and Run
Published by: Nirali Gohil
Last Updated: Apr 14, 2026, 06:02 AM IST

Surat Accident News: સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓના બેફામ ડ્રાઈવિંગે એક નિર્દોષનો જીવ લીધો છે. મોટા વરાછા વિસ્તારમાં આઉટર રિંગરોડ પર પૂરઝડપે આવતી એક સ્કોર્પિયો કારના ચાલકે રસ્તે ચાલતી ત્રણ મહિલાઓને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

કેટરિંગનું કામ પતાવી નાસ્તો કરવા જતી મહિલાઓ બની શિકાર

સુરતના અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ પોતાની આજીવિકા ચલાવવા માટે કેટરિંગનું કામ કરતા હતા. ગત રોજ તેઓ પોતાની સખીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગરોડ પર આવેલા આસ્થા ફાર્મમાં એક લગ્ન પ્રસંગમાં કામ અર્થે ગયા હતા. કામ દરમિયાન ત્રણેય બહેનપણીઓ નજીકની દુકાને નાસ્તો લેવા માટે પગપાળા નીકળી હતી. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પાછળથી કાળ બનીને એક સ્કોર્પિયો આવી રહી છે. પૂરઝડપે અને બેફામ રીતે દોડતી સ્કોર્પિયો કારના ચાલકે આ ત્રણેય મહિલાઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટીનુબેનનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફેંકાઈ ગઈ હતી.

અકસ્માત બાદ કાર પલટી ગઈ, 19 વર્ષીય ચાલકની અટકાયત

અકસ્માત સર્જ્યા બાદ બેફામ બનેલી સ્કોર્પિયો કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે આક્ષેપ થઈ રહ્યો છે કે કારચાલક નશાની હાલતમાં હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 19 વર્ષીય આરોપી રોશન માલવીયાની અટકાયત કરી છે.

આ પણ વાંચો: નસીબ તો જુઓ! : લોકો એક ટિકિટ માટે ફાંફા મારે છે, આ મુરતિયાને મળી ભાજપ-કોંગ્રેસ અને AAPની ટિકિટ; જાણો કયા પક્ષ પર ઢોળ્યો પસંદગીનો કળશ?

સ્થાનિકોમાં ભારે રોષ: શું નબીરાઓ માટે કાયદો નથી?

આ ઘટનાએ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. સ્થાનિક નાગરિકોનો આક્રોશ છે કે રાત્રિના સમયે આઉટર રિંગરોડ જેવા વિસ્તારોમાં નબીરાઓ કારને રેસિંગ ટ્રેક સમજીને ચલાવે છે. પોલીસ હવે આરોપીના બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ કરી રહી છે. મૃતક ટીનુબેનના પરિવારમાં આ ઘટનાથી માતમ છવાઈ ગયો છે અને લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now