Dahod Local Body Election: ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં અનેક કિસ્સાઓ બનતા હોય છે, પરંતુ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે બન્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. સામાન્ય રીતે ઉમેદવારો એક પક્ષની ટિકિટ માટે વલખાં મારતા હોય છે, ત્યારે દાહોદના એક એવા ઉમેદવાર સામે આવ્યા છે જેમણે એકસાથે ત્રણ મોટા રાજકીય પક્ષોના મૅન્ડેટ મેળવીને ફૉર્મ ભરી દીધા હતા.
ગુજરાતની ચૂંટણીમાં અનોખો કિસ્સો: ત્રણ પક્ષમાંથી ઉમેદવારી
દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં ભારતસિંહ વાખળા નામના ઉમેદવારે લોકશાહીના પર્વમાં એક નવો જ રેકોર્ડ નોંધાવ્યો હોય તેમ લાગે છે. તેમણે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) એમ ત્રણેય પક્ષો પાસે ટિકિટ માગી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, ત્રણેય પક્ષોએ તેમને પોતાની ટિકિટ આપી મૅન્ડેટ પણ ફાળવી દીધા હતા.
આ ઘટનાએ રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી દીધા છે. એક જ વ્યક્તિ પર ત્રણ અલગ-અલગ વિચારધારા ધરાવતા પક્ષોએ કેવી રીતે વિશ્વાસ મૂક્યો, તે પ્રશ્ન અત્યારે સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ગઈકાલે ફૉર્મ ચકાસણી દરમિયાન જ્યારે આ વિગત સામે આવી ત્યારે ચૂંટણી અધિકારીઓ પણ અચરજમાં મુકાયા હતા.
ફાઇનલી 'કેસરીયો' ધારણ કર્યો: કોંગ્રેસ-AAPના ફૉર્મ કરાવ્યા રદ
ગઈકાલે ફૉર્મ ચકાસણી (Scrutiny) ના દિવસે ભારતસિંહ વાખળાએ પોતાની રાજકીય દિશા સ્પષ્ટ કરી દીધી છે. તેમણે ત્રણેય પક્ષોમાંથી ભાજપ પર પસંદગી ઉતારી છે. તેમણે લેખિત સોગંદનામું રજૂ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ભરેલા ફૉર્મ રદ કરાવી દીધા છે. હવે તેઓ પીપેરો બેઠક પરથી સત્તાવાર રીતે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં જંગ લડશે.
આ પણ વાંચો: નીતીશ યુગનો આજે અંત : બપોરે 3:15 વાગ્યે રાજ્યપાલને સોંપશે રાજીનામું, જાણો કોણ બનશે બિહારનો નવો નાથ?
કેમ ભાજપ જ પસંદ કર્યું? ઉમેદવારે પોતે આપ્યું મોટું નિવેદન
મીડિયા સાથેની વાતચીતમાં ભારતસિંહ વાખળાએ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, "મેં ત્રણેય પક્ષમાંથી ટિકિટ માગી હતી અને મને ત્રણેય તરફથી પ્રતિસાદ મળ્યો હતો. ચકાસણીમાં મારા ત્રણેય ફૉર્મ માન્ય પણ ઠર્યા હતા. જોકે, મેં વિચાર્યું કે, અત્યારે ગુજરાત અને દિલ્હીમાં ભાજપની સરકાર હોવાથી વિકાસના કામો માટે ભાજપ જ શ્રેષ્ઠ વિકલ્પ છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે સ્વેચ્છાએ કોંગ્રેસ અને AAPમાંથી પીછેહઠ કરી છે અને હવે પૂરી તાકાત સાથે ભાજપના પ્રતીક પર ચૂંટણી લડશે. આ કિસ્સો સાબિત કરે છે કે, સ્થાનિક લેવલે ઉમેદવારનો પ્રભાવ કેટલો મજબૂત હોઈ શકે છે કે તમામ પક્ષો તેને પોતાની સાથે લેવા તૈયાર થઈ જાય છે.
ચૂંટણી તંત્ર માટે પણ આશ્ચર્યજનક બાબત
ચૂંટણી અધિકારીઓના મતે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવો કિસ્સો ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે ડમી ઉમેદવારીના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ એક જ વ્યક્તિ ત્રણ મુખ્ય પક્ષોનો સત્તાવાર ઉમેદવાર બને તેવી આ સંભવિત રીતે રાજ્યની પહેલી ઘટના છે. હવે જોવાનું એ રહેશે કે આ 'ત્રિપાંખિયા' મૅન્ડેટ મેળવનાર ઉમેદવારને જનતા કેટલો આવકારે છે.





