Surat Crime: સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં વર્ષો જૂના પાડોશી સંબંધોમાં શંકાનું ઝેર ભળતા એક પરિવારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અદાવત અને વેરની અગ્નિમાં અંધ બનેલી એક મહિલાએ પોતાના જ પાડોશીના આખા પરિવારને ખતમ કરવા માટે પ્રસાદના નામે 'ઝેરી લાડુ' ખવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા ગોરધનભાઈ ડોંડાના ઘરના ઉંબરે ગત 10 એપ્રિલના રોજ બુંદીના લાડુ ભરેલી એક થેલી મળી આવી હતી. પરિવારજનોએ તેને કોઈ ભક્ત કે સંબંધી દ્વારા રાખવામાં આવેલો ભગવાનનો પ્રસાદ સમજીને ગ્રહણ કર્યો હતો. ગોરધનભાઈ અને તેમની પુત્રવધૂએ જેવા આ લાડુ ખાધા, તેના થોડા જ સમયમાં તેમની તબિયત લથડવા માંડી હતી. ચક્કર આવવા, ઉલટી થવી અને અંતે બેભાન થઈ જવાની ગંભીર અસરો દેખાતા સમગ્ર પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દીકરીના પ્રેમલગ્ન બન્યા અદાવતનું કારણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સોસાયટીમાં જ રહેતા ઉષાબેન નાકરાણી નામના મહિલાએ આ કૃત્ય આચર્યું છે. ઉષાબેનની દીકરીએ થોડા સમય પહેલા જ ઘર છોડીને પ્રેમલગ્ન કરી લીધા હતા. ઉષાબેનને એવી શંકા હતી કે, તેમની દીકરીને ભગાડવામાં અને લગ્ન કરાવવામાં પાડોશી ગોરધનભાઈના પરિવારનો મોટો હાથ છે. આ શંકાના આધારે જ તેઓ ગોરધનભાઈના પરિવાર સાથે વેર વાળવાની તક શોધતા હતા અને આખરે બદલો લેવા માટે તેમણે ઝેરી લાડુનો સહારો લીધો હતો.

પ્રસાદ સમજી લાડુ ખાતા જ તબિયત લથડી
10 એપ્રિલે મળેલી લાડુની થેલીને પ્રસાદ માનીને ગોરધનભાઈ, તેમના પુત્ર અને પુત્રવધુએ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાના થોડા જ સમયમાં ત્રણેય સભ્યોને ચક્કર આવવા, ઉલટી થવી અને બેભાન થઈ જવા જેવી અસરો થવા લાગી હતી. સ્થિતિ ગંભીર જણાતા ત્રણેયને તાત્કાલિક સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોની સમયસૂચકતાને કારણે હાલ પરિવારના તમામ સભ્યોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બચેલા લાડુની તપાસ કરવામાં આવી ત્યારે પરિવાર અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લાડુની અંદરથી અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ મળી આવી હતી, જે માનવ શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ પુરાવા મળ્યા બાદ ગોરધનભાઈએ ઉષાબેન નાકરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: બોલીવુડ સુધી છેતરપિંડી, અભિનેત્રી સાથે લગ્ન અને ગુજરાતની ચુંટણી... : વડોદરાના યુવકની ગેંગનો ભાંડો ફૂટ્યો
સુરત પોલીસના એસીપી (ACP) પાર્થ ચોવટીયાએ જણાવ્યું હતું કે, ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા ફરિયાદી ગોરધનભાઈ ડોંડાનાઓ ગત તારીખ ૧૦/૦૪/૨૦૨૪ ના રોજ સવારના દસેક વાગ્યે પોતાના ઘરે હતા, ત્યારે તેમના ઘરના ઉંબરેથી કોઈ અજાણ્યો માણસ એક થેલીમાં બુંદીના લાડુ મૂકી ગયેલ. જે લાડુ પ્રસાદી સમજી ગોરધનભાઈએ તથા તેમની પુત્રવધૂએ ખાતા તેમને ઉલટીઓ થવા માંડેલી અને ઝેરી અસર જણાતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બચેલા લાડુ તપાસતા તેમાંથી અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ મળી આવી હતી. જે બાબતે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ફરિયાદીના પાડોશમાં રહેતા ઉષાબેન નાકરાણીની દીકરી આશરે ચારેક મહિના પહેલા પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલ હતી. જે દીકરીને ભગાડવામાં આ ફરિયાદીના પરિવારનો હાથ હોવાની શંકા રાખી ઉષાબેને આ લાડુમાં ઝેરી ટીકડીઓ ભેળવી ફરિયાદીના ઘરના ઉંબરે મૂક્યા હતા. આ બાબતે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.





