સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી રવિવારે મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન તરફ રવાના થયા હતા. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ દોડતી નિયમિત અને વિશેષ ટ્રેનો દ્વારા અંદાજે 14,000 જેટલા મુસાફરો નીકળી ગયા હતા, જ્યારે ઉધના થી ઓડિશાના બહાદુરપુર માટે દોડતી ટ્રેનમાં આશરે 1,600 મુસાફરોએ મુસાફરી કરી હતી. ઉનાળાની રજાઓ અને તહેવારોના સમયગાળાને પગલે આવા માઇગ્રેશનના દૃશ્યો સામાન્ય બની ગયા છે.
રેલવે સત્તાધિકારીઓએ ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિશેષ વ્યવસ્થાઓ અમલમાં મૂકી હતી. મુસાફરોને એકસાથે પ્લેટફોર્મ પર જવા દેવાને બદલે, નિર્ધારિત સ્થળોએ એકત્રિત કરી ટ્રેન આવતાં ક્રમબદ્ધ રીતે પ્લેટફોર્મ સુધી લઈ જવામાં આવ્યા હતા. આ પદ્ધતિથી ભીડ નિયંત્રણમાં રહી અને ચડતી વખતે કોઈ અવ્યવસ્થા કે અફરાતફરી સર્જાઈ નહોતી.
તાપમાન વચ્ચે પાણીની વ્યવસ્થા
ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે મુસાફરોને રાહત આપવા માટે રેલવે તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આશરે 3,000 જેટલી પાણીની બોટલો મુસાફરોમાં વિતરણ કરવામાં આવી હતી, જે ખાસ કરીને લાંબી મુસાફરી માટે રાહતરૂપ બની હતી.
ટ્રેન મુજબ મુસાફરોની સંખ્યા
09041 ઉધના-બલિયા (રાત્રે 11:30): 3,000 મુસાફરો
09045 ઉધના-ઝાંઝરપુર (am 1:30): 2,400 મુસાફરો
09047 ઉધના-સમસ્તીપુર (am 5:00): 1,600 મુસાફરો
19021 ઉધના-બ્રહ્મપુર (am 7:10): 1,600 મુસાફરો
22564 ઉધના-જયનગર અંત્યોદય (am 8:35): 3,600 મુસાફરો
19045 ઉધના-તાપ્તીગંગા (સવારે 10:20): 2,200 મુસાફરો
09031 ઉધના-હસનપુર (am 11:25): 1,200 મુસાફરો
વધારાની ટ્રેન ફરી રદ
મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ઉધના–જયનગર રૂટ પર વધારાની અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની વિચારણા કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે રવિવારથી આ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઓછી રહેતાં તેને સતત બીજા અઠવાડિયે પણ રદ કરવામાં આવી છે.
પ્રારંભમાં આ ટ્રેન બપોરે દોડાવવાની યોજના હતી, બાદમાં તેને સાંજે ખસેડવાનો વિચાર પણ થયો હતો. તેમ છતાં રાત્રિના સમયે પણ પૂરતા મુસાફરો ન મળતાં આખરે આ સેવા રદ કરવાની ફરજ પડી હતી. પરિણામે 5 મે માટે નક્કી કરાયેલ જયનગરથી આવતી રિટર્ન ટ્રેન પણ રદ કરવામાં આવી છે.





