સુરત: ડાયમંડ સિટી સુરતમાં રુસ્તમપુરા વિસ્તારમાં એક મહિલાએ હિંમત અને સાહસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રસ્તા પરથી પસાર થતી એક નિર્દોષ મહિલાની છેડતી કરનાર યુવકને મહિલાએ પોતે જ પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓ ભેગી મળીને લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવતી જોવા મળે છે.
જાહેરમાં છેડતી પડ્યો ભારે
રુસ્તમપુરાના વ્યસ્ત રસ્તા પરથી જ્યારે એક મહિલા પસાર થઈ રહી હતી, ત્યારે એક અજાણ્યા યુવકે તેની પાછળ આવી અશોભનીય વર્તન અને છેડતી કરી હતી. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં મહિલાઓ ગભરાઈ જતી હોય છે, પરંતુ આ મહિલાએ ડરવાને બદલે હિંમત બતાવી હતી. તેણે તુરંત જ યુવકનો પ્રતિકાર કર્યો અને તેને ભાગવા દીધો ન હતો. મહિલાની બહાદુરી જોઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.
મહિલાઓએ ભેગા મળીને આપ્યો 'મેથીપાક'
ઘટનાસ્થળે હાજર અન્ય મહિલાઓ પણ પીડિત મહિલાની વહારે આવી હતી. છેડતી કરનાર યુવકને રસ્તા વચ્ચે જ પકડી પાડવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલી મહિલાઓએ તેને જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો. લોકોના ટોળા વચ્ચે યુવક માફી માંગતો રહ્યો, પરંતુ મહિલાઓએ તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હવે વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: વડોદરામાં ચડ્ડી-બંડી ગેંગનો આતંક : વડસરના આ બંગલોઝમાં હથિયારો સાથે તસ્કરો ત્રાટક્યા, રહીશોમાં ફફડાટ
વધતી જતી છેડતીની ઘટનાઓ સામે ચિંતા
સુરત જેવા સુરક્ષિત ગણાતા શહેરમાં જાહેરમાં છેડતીની ઘટનાઓ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રુસ્તમપુરા જેવા ગીચ વિસ્તારોમાં આવા લુખ્ખા તત્વોનો આતંક વધતા મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે પોલીસ આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારે અને છેડતી કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરે.
પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ પણ હરકતમાં આવી છે. પોલીસે વાયરલ ફૂટેજના આધારે આરોપી યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, કાયદો હાથમાં લેવો યોગ્ય નથી, પરંતુ આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી અન્ય કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે. પીડિત મહિલાની હિંમતને લોકો સોશિયલ મીડિયા પર બિરદાવી રહ્યા છે.





