Home Gujarat Surat Vadodara Vadsar Visteria Bungalows Chaddi Bani Gang Theft Attempt Cctv

વડોદરામાં ચડ્ડી-બંડી ગેંગનો આતંક : વડસરના આ બંગલોઝમાં હથિયારો સાથે તસ્કરો ત્રાટક્યા, રહીશોમાં ફફડાટ

Chaddi Bani Gang, Vadodara Theft, Vadsar Crime, CCTV Footage
Published by: Nirali Gohil
Last Updated: May 01, 2026, 07:30 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને શહેરના સીમાડાના વિસ્તારોમાં હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું કે શાંતિથી ઊંઘવું દુષ્કર બન્યું છે. વડોદરાના વડસર વિસ્તારમાં ગત મોડી રાત્રે કુખ્યાત 'ચડ્ડી-બંડી ગેંગ' ત્રાટકતા સમગ્ર પંથકમાં ફાળ પડી છે. હથિયારો સાથે સજ્જ આ ગેંગે રહેણાંક સોસાયટીને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

વિસ્ટેરીયા બંગલોઝમાં તસ્કરોનો ધાડો

વડસર વિસ્તારમાં આવેલા હાઈપ્રોફાઈલ 'વિસ્ટેરીયા બંગલોઝ'માં ગત મોડી રાત્રે જ્યારે રહીશો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે ચડ્ડી-બંડી ગેંગના સાગરીતો સોસાયટીમાં દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. આ તસ્કરો માત્ર ચોરી કરવાના ઈરાદે જ નહીં, પરંતુ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમના હાથમાં તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ જોવા મળી હતી. તસ્કરોએ સોસાયટીના બંધ મકાનો અને બંગલાઓમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સદનસીબે કોઈ મોટી જાન-માલની હાનિ થઈ નથી.

સીસીટીવી ફૂટેજમાં કેદ થયો આતંક

સોસાયટીના કોમન પ્લોટ અને બંગલાઓના કમ્પાઉન્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ગેંગની હિલચાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ગેંગના સભ્યો મોઢે રૂમાલ બાંધીને અને માત્ર ચડ્ડી-બંડી પહેરીને ખુલ્લા હાથે હથિયારો લહેરાવી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વડોદરાના અન્ય સીમાડાના વિસ્તારોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે તસ્કરો એટલા બેફામ બન્યા છે કે તેમને હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

આ પણ વાંચો: મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હોસ્ટેલથી રહસ્યમય રીતે લાપતા : રૂ.1600ના ટ્રાન્ઝેક્શન બાદ મોબાઈલ સ્વીચ ઓફ થતા રહસ્ય ઘેરાયું

રહીશોમાં ભય અને પોલીસ પેટ્રોલિંગની માંગ

આ ઘટના બાદ વડસર વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે શહેરના વિસ્તરણ પામતા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અત્યંત ઓછું છે, જેનો લાભ આ ગેંગ ઉઠાવી રહી છે. રહીશોએ માંગ કરી છે કે: રાત્રિના સમયે પીસીઆર વાનનું પેટ્રોલિંગ વધારવામાં આવે, શંકાસ્પદ વ્યક્તિઓની તાત્કાલિક પૂછપરછ કરવામાં આવે, બીટ ચોકીના કર્મચારીઓ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ સાથે સંકલન સાધે.

પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

ચોરીના પ્રયાસની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સોસાયટીના તમામ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગેંગ બહારના રાજ્યની હોવાની શંકા છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. શહેરના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો હવે રાત્રે 'જાગતા નર નર સદા સુખી' જેવી સ્થિતિમાં મુકાયા છે, ત્યારે પોલીસ ક્યારે આ ગેંગને જેલના સળિયા પાછળ ધકેલે છે તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now