Home Gujarat Surat Surat Honeytrap Case Jahangirpura Police Arrest Extortion Gang

મોબાઈલ એપથી યુવકને પ્રેમજાળમાં ફસાવી લૂંટી લીધો : સજાતીય સંબંધોની એપ દ્ધારા અવાવરું જગ્યાએ બોલાવી કર્યું આવું કામ!

Surat Jahangirpura Dating App Scam Honeytrap Case
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 09, 2026, 08:48 AM IST

સુરત: ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ છે. જહાંગીરપુરા પોલીસે એક અત્યંત ચર્ચિત કિસ્સામાં કાર્યવાહી કરી ડેટિંગ એપ્લિકેશન દ્વારા પુરુષોને હનીટ્રેપમાં ફસાવી લૂંટતી ટોળકીના બે સાગરીતોને દબોચી લીધા છે. આ ગેંગ ખાસ કરીને 'Grindr' નામની ગે ડેટિંગ એપનો ઉપયોગ કરી ભોળા યુવકોને પ્રેમજાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ નિર્જન સ્થળે બોલાવી તેમને લૂંટી લેતી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગના સભ્યો ડેટિંગ એપ પર નકલી એકાઉન્ટ બનાવી યુવકો સાથે મિત્રતા કરતા હતા. જ્યારે સામેવાળી વ્યક્તિ ડેટિંગ માટે તૈયાર થાય, ત્યારે તેને અવાવરુ ખેતરો કે સુમસામ જગ્યાએ બોલાવવામાં આવતી હતી. ત્યાં અગાઉથી સંતાઈને બેઠેલા ગેંગના સભ્યો પીડિત યુવકને ઘેરી લેતા અને તેના વાંધાજનક વિડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા હતા.

બ્લેકમેલિંગનો ભયાનક ખેલ: વિડિયો વાયરલ કરવાની ધમકી આપી પડાવતા નાણાં

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી. શિકાર બનેલા યુવકના વિડિયો ઉતાર્યા બાદ આરોપીઓ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અથવા તેના માતા-પિતાને બતાવવાની ધમકી આપતા હતા. સમાજમાં બદનામીના ડરથી અનેક યુવકો ચૂપચાપ આ ગેંગને નાણાં આપી દેતા હતા. એક કિસ્સામાં, ફરિયાદી યુવક પાસેથી આ રીતે ડરાવી-ધમકાવીને આરોપીઓએ ₹30,000 પડાવી લીધા હતા, જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ પણ વાંચો: અપહરણ કરી બાળકો પાસે ભીખ મંગાવતી ગેંગનો પર્દાફાશ : જાણો CCTVની મદદથી પોલીસે કઈ રીતે ગણતરીના કલાકોમાં જ 4 વર્ષના માસૂમનો કર્યો બચાવ

પોલીસના સકંજામાં રત્નકલાકાર અને રિક્ષાચાલક

જહાંગીરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ ગેંગના બે સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં નરેશ ઉર્ફે નરીયો મારૂ અને રાજુ મેરનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આરોપીઓ પૈકી એક રિક્ષાચાલક છે અને બીજો રત્નકલાકાર તરીકે કામ કરે છે. પોલીસે જ્યારે તેમના મોબાઈલ ફોનની તપાસ કરી ત્યારે તેમાંથી અન્ય અનેક લોકોના વિડિયો પણ મળી આવ્યા હતા, જે સૂચવે છે કે આ ગેંગે ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલો આરોપી નરેશ ઉર્ફે નરીયો અગાઉ પણ હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. જ્યારે રાજુ મેર પણ અગાઉ આ જ પ્રકારે લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ ગેંગના પકડાયા બાદ સુરત પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ ટોળકીએ કુલ કેટલા લોકોને આર્થિક અને માનસિક રીતે લૂંટ્યા છે.

સુરત પોલીસની અપીલ: ડેટિંગ એપ્સથી સાવધાન રહો

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, અજાણી વ્યક્તિ સાથે ડેટિંગ એપ્લિકેશન પર વાત કરતી વખતે સાવચેતી રાખવી અને ક્યારેય અજાણ્યા સ્થળે મળવા જવું નહીં. જો કોઈ આ પ્રકારે હનીટ્રેપ કે બ્લેકમેલિંગનો શિકાર બને તો ડર્યા વગર નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now