Surat HeavyRains: સુરત જિલ્લામાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે (૭ જુલાઈ) બપોરે ૩ વાગ્યા સુધીની સ્થિતિ અનુસાર, જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે, જેને પગલે સમગ્ર સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આંકડાકીય માહિતી મુજબ, આજે બપોર સુધીમાં જ સુરત શહેરમાં ૧૭૬ મિલીમીટર અને કામરેજમાં ૨૧૧ મિલીમીટર જેટલો અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. આ આકાશી આફતના કારણે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
૧૨૯ નાગરિકોનું સફળ રેસ્ક્યુ, વહીવટી તંત્ર એલર્ટ
પૂર જેવી સર્જાયેલી ગંભીર સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર અને બચાવ કામગીરીની ટીમો યુદ્ધના ધોરણે કાર્યરત થઈ ગઈ છે. આપત્તિજનક સ્થિતિમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૨૯ નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં સરથાણા વિસ્તારમાંથી ૧૨૫ લોકો, પલસાણા તાલુકામાંથી ૪ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા છે. ઓલપાડ ખાતે તૈનાત NDRFની ટીમ ઉપરાંત વધારાની SDRFની ટીમને પણ સુરત મહાનગરપાલિકા (SMC) હસ્તક તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પંચાયત હસ્તકના ૩૭ જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
129 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ, NDRF અને SDRFની ટીમો તૈનાત
પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. સરથાણા વિસ્તારમાંથી 125 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પલસાણા તાલુકામાંથી વધુ 4 લોકોને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આમ કુલ 129 નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં સફળતા મળી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઓલપાડ ખાતે કાર્યરત NDRFની ટીમ ઉપરાંત વધારાની SDRFની ટીમને પણ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખી જરૂરિયાત મુજબ વધુ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કરુણ ઘટનાઓ: જિલ્લામાં કરંટ લાગવાથી અને તણાવવાથી કુલ ૫ મોતો
આ ભારે વરસાદ સુરતવાસીઓ માટે આફત બનીને આવ્યો છે. જિલ્લામાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ ૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાંદેર ટાઉનમાં વીજ કરંટ લાગવાના કારણે 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પાંડેસરા અને ભેસ્તાન, ભાઠેના વિસ્તારમાં પણ વીજ કરંટની ઝપેટમાં આવી જતાં 2 લોકોના મોત થયા છે. કામરેજના ટીંબા ગામે ખાડીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી 1 વ્યક્તિનું મોત થયું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ, પરિવહન પર અસર
અવિરત વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત હસ્તકના અંદાજે 37 રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. અનેક ગામોનો સંપર્ક તાત્કાલિક અસરથી પ્રભાવિત થયો હતો. તંત્ર દ્વારા માર્ગોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પાણી ઓસર્યા બાદ તાત્કાલિક માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાશે. શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વેપારીઓ મુશ્કેલીમાં: કરોડોના નુકસાનની ભીતિ
મેઘરાજાના આ કહેરના પગલે સુરતના વેપારી આલમને ભારે આર્થિક ફટકો પડ્યો છે. અતિભારે વરસાદને કારણે દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખો-કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર પર અંદાજે ૨૦ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. અહીં આવેલી મોબાઈલની આશરે ૩૦ થી ૪૦ દુકાનો સંપૂર્ણપણે જળસમાધિ લઈ ચૂકી છે, જેના કારણે વેપારીઓને માલસામાનનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સુરતમાં વરસાદ બન્યો કાળ : સચિન GIDCમાં પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં 2 માસૂમના મોત
વેડ રોડ સ્થિત રોયલ આર્કેડ બંધ
વેડ રોડ પર આવેલા રોયલ આર્કેડ નજીક પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો સહિત આખું આર્કેડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સુરતના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અવિરત વરસી રહેલા આ વરસાદે સુરતના નાગરિકોની ચિંતા અને મુશ્કેલીઓમાં વ્યાપક વધારો કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. બચાવ દળો, મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને અન્ય એજન્સીઓ સતત મેદાનમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.





