સુરત: શહેરમાં પડેલા અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી. આ દરમિયાન સહારા દરવાજા વિસ્તારમાં આવેલા ગરનાળામાં GSRTCની એક બસ ગળાડૂબ પાણીમાં ફસાઈ જતાં અંદર સવાર 28 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મચારીઓએ સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને બસમાં ફસાયેલા તમામ 28 મુસાફરોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી.
ટ્રેક્ટરની મદદથી મુસાફરોને બસ સ્ટેશન પહોંચાડાયા
ગરનાળામાં પાણીનું સ્તર વધુ હોવાથી સામાન્ય વાહનોની અવરજવર શક્ય નહોતી. તેથી ફાયર વિભાગે ટ્રેક્ટરની મદદથી તમામ મુસાફરોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ત્યારબાદ તેમને બસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાંથી અન્ય GSRTC બસ મારફતે તેમના ગંતવ્ય સ્થળે રવાના કરવામાં આવ્યા.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી : 167 રસ્તા બંધ, અનેક ગામોનો તૂટ્યો સંપર્ક
ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર અને ફાયર વિભાગ સતત સતર્ક છે. નાગરિકોને પાણી ભરાયેલા રસ્તાઓ અને ગરનાળાઓમાંથી પસાર ન થવા તેમજ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.





