logo-img
Surat Gajera Brothers High Court Fir Order

PNB કૌભાંડના તાર સુરત સાથે જોડાયા : ગજેરા બંધુઓ વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધવા હાઈકોર્ટનો પોલીસ કમિશનરને આદેશ

PNB કૌભાંડના તાર સુરત સાથે જોડાયા
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 05:35 PM IST

દેશના બહુચર્ચિત 15,000 કરોડના PNB કૌભાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. આ મહાકૌભાંડના મુખ્ય સૂત્રધાર મેહુલ ચોક્સી સાથે નાણાકીય સાંઠગાંઠ ધરાવવાના આરોપમાં સુરતના જાણીતા ગજેરા બંધુઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સુરત પોલીસ કમિશનરને સ્પષ્ટ સૂચના આપી છે કે વસંત ગજેરા, અશોક ગજેરા અને રાકેશ ગજેરા વિરુદ્ધ ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ કડક કલમો હેઠળ તુરંત ગુનો દાખલ કરવામાં આવે.

43% હિસ્સો પચાવી પાડવાનું ષડયંત્ર અને મની લોન્ડરિંગના આક્ષેપો

ફરિયાદી પ્રવીણ અગ્રવાલના જણાવ્યા મુજબ, તેઓ ‘શાંતિ રેસીડેન્સીસ પ્રા. લિ.’ નામની કંપનીમાં 43% શેર ધરાવતા હતા. ગજેરા બંધુઓએ આ કંપનીની કિંમતી મિલકતોને બજાર કિંમતે વેચી હોવા છતાં, કંપનીના દસ્તાવેજોમાં માત્ર જંત્રી મુજબની મામૂલી રકમ દર્શાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનો ગંભીર આક્ષેપ છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ નાણાં હવાલા દ્વારા હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી રાકેશ ગજેરાને વિદેશી રોકાણકાર તરીકે બતાવીને ફરીથી ભારતમાં લાવી મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગની તપાસમાં 1,900 કરોડના શંકાસ્પદ વ્યવહારો ઝડપાયા

ગજેરા ગ્રુપની વિવિધ સાઈટ્સ, ડાયમંડ યુનિટ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ પર આવકવેરા વિભાગની DDI વિંગ દ્વારા સતત 6 દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અધિકારીઓને 1,900 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે. આ ઉપરાંત, તપાસમાં 30 થી વધુ બેંક લોકર્સ સીલ કરવામાં આવ્યા છે અને આરોપીઓ અંદાજે 40 જેટલી કંપનીઓમાં ડિરેક્ટર પદ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.

ફોર્જરી અને ડિજિટલ સહીઓના આધારે છેતરપિંડી

આરોપીઓએ ફરિયાદી અને તેમના પરિવારની બનાવટી સહીઓ કરીને કંપનીમાં તેમનો હિસ્સો 43% થી ઘટાડીને માત્ર 4.02% કરી દીધો હોવાનો આરોપ છે. એટલું જ નહીં, બોગસ ડિજિટલ સહીઓનો ઉપયોગ કરીને ફરિયાદીને ડિરેક્ટર પદ પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા હતા. આ તમામ દસ્તાવેજો રજીસ્ટ્રાર ઓફ ઓફ કંપનીઝમાં સાચા તરીકે રજૂ કરીને સરકારી તંત્ર સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી છે.

મેહુલ ચોક્સી અને EDની તપાસમાં ખુલાસો

મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ (Case No. ECIR/MBZO-I/04/2018) માં પણ ગજેરા બંધુઓના નામ સહ-આરોપી તરીકે નોંધાયેલા છે. મેહુલ ચોક્સીની કંપનીઓમાંથી દુબઈ અને હોંગકોંગ મારફતે રાકેશ ગજેરાને ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા છે. અગાઉ સેબી (SEBI) એ પણ ગીતાંજલિ જેમ્સ કેસમાં અનિયમિતતા બદલ આ શખ્સોને 2.50 કરોડનો દંડ ફટકારી શેરબજારમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

હાઈકોર્ટની લાલ આંખ અને પોલીસની નિષ્ક્રિયતા

પ્રવીણ અગ્રવાલે અગાઉ સુરતની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) માં અનેક ફરિયાદો કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તારીખ 12-02-2026 ના રોજ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ પારડીવાલાના જૂના ચુકાદાઓને ટાંકીને કોર્ટે આદેશ આપ્યો કે ફરિયાદીના નિવેદન મુજબની તમામ કલમો સાથે તાત્કાલિક FIR નોંધવી અનિવાર્ય છે.

જમીન માફિયાની છબી અને પરિવારને જાનથી મારવાની ધમકી

ફરિયાદીના વકીલ ડો. શૈલેષ આર. પટેલના જણાવ્યા અનુસાર, ગજેરા બંધુઓ સુરતમાં ભૂમાફિયા તરીકેની છાપ ધરાવે છે અને તેમની સામે જમીન પચાવી પાડવાના અંદાજે 8 જેટલા ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમણે આ કૌભાંડનો વિરોધ કર્યો, ત્યારે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now