Home Gujarat Surat Surat Flood Insurance Claims Tax Waiver 2026

સુરતમાં પૂર બાદ રાહત કામગીરી તેજ : 7 વીમા કંપનીઓને નોટિસ, રૂ.147 કરોડની વેરા માફીનો મોટો નિર્ણય

સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર રાહત અને વીમા કંપનીઓ સાથે યોજાયેલી સંકલન બેઠક.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 04:19 PM IST

Surat News: સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર દુર્ઘટના બાદ રાહત અને પુનર્વસન કામગીરીની સમીક્ષા માટે વીમા કંપનીઓ સાથે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં પૂરગ્રસ્તોને ઝડપથી વીમા ક્લેમ મળી રહે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી તંત્રે જણાવ્યું કે દેશના ઈતિહાસમાં પ્રથમવાર આ પ્રકારનું સંકલન કરીને 22 જેટલી વીમા કંપનીઓને એકસાથે કામગીરીમાં જોડવામાં આવી છે. બેઠકમાં જણાવાયું કે અત્યાર સુધીમાં વિવિધ વીમા કંપનીઓ દ્વારા અંદાજે રૂ. 29 કરોડના વીમા ક્લેમ મંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ બપોરે 12 વાગ્યા સુધીમાં 61,360 કેસડોલ અને 29,642 ઘરવખરી નુકસાનના કેસોમાં મળીને રૂ. 20 કરોડથી વધુની સહાય સીધી લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે.

ધીમી કામગીરી કરતી કંપનીઓ સામે વહીવટી તંત્ર કડક

વીમા ક્લેમની પ્રક્રિયામાં વિલંબ કરતી 7 વીમા કંપનીઓને વહીવટી તંત્રે નોટિસ પાઠવી છે. બેઠક દરમિયાન સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો આગામી દિવસોમાં કામગીરીમાં સુધારો નહીં થાય તો કડક વહીવટી પગલાં લેવામાં આવશે. સમગ્ર કામગીરીની સમીક્ષા માટે આગામી 15 દિવસમાં ફરી એકવાર રિવ્યુ બેઠક યોજાશે. અધિકારીઓએ જણાવ્યું કે પૂરગ્રસ્તોને સમયસર વળતર મળી રહે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તમામ કંપનીઓને ઝડપથી સર્વે પૂર્ણ કરી ક્લેમની રકમ ચૂકવવા સૂચના આપવામાં આવી છે.

રૂ. 147 કરોડની ઐતિહાસિક વેરા માફી

પૂરગ્રસ્ત નાગરિકોને વધુ રાહત આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. 147 કરોડની વેરા માફીની જાહેરાત કરવામાં આવી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના માર્ગદર્શન હેઠળ પાંચ દિવસના સર્વે બાદ શહેરના 3,54,600 રહેણાંક, દુકાન અને ઔદ્યોગિક એકમોને આ યોજનાનો લાભ આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પૂરગ્રસ્તોને અરજી પ્રક્રિયા સરળ બનાવવા માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. વિશેષ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેના માધ્યમથી અરજીઓની ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે. લાયસન્સ ધરાવતા રેકડીચાલકો અને દુકાનદારોને વોટ્સએપ મારફતે સીધી ઓનલાઈન લિંક મોકલી અરજી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઓનલાઈન વ્યવસ્થાથી રાહત પ્રક્રિયા બનશે વધુ સરળ

પૂરગ્રસ્ત નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે ઓનલાઈન પોર્ટલની સુવિધા શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકો પોતાના નુકસાનના ફોટા, વીડિયો અને જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરીને સહાય માટે અરજી કરી શકશે. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સમયબદ્ધ રહે તે માટે વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો
: કચ્છના પશુપાલકોને રાહત : પાંચ પશુ સુધી પશુદીઠ દરરોજ 4 કિલો ઘાસ રાહતદરે મળશે, 28 લાખ કિલો જથ્થો તૈયાર

ઝડપી સહાય પહોંચાડવા સરકારની પ્રતિબદ્ધતા

રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે પૂરગ્રસ્ત પરિવારો અને વેપારીઓને શક્ય તેટલી વહેલી તકે સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વીમા ક્લેમ, ઘરવખરી સહાય અને વેરા માફી જેવી વિવિધ રાહત યોજનાઓનો લાભ સમયસર મળે તે માટે તમામ સંબંધિત વિભાગો વચ્ચે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કામગીરીની નિયમિત સમીક્ષા કરીને બાકી રહેલા તમામ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now