Home Gujarat Chotila Government Rice Seized Pds Black Marketing Surendranagar

ચોટીલામાં ગરીબોના અનાજના કાળાબજારી કરતાં ચોખાના 450 કટ્ટા ઝડપાયા : ટ્રક સહિત રૂ.30 લાખનો મુદ્દામાલ કબજે

ચોટીલા-જસદણ હાઇવે પર સરકારી ચોખાના કટ્ટા ભરેલો ટ્રક જપ્ત કરતી પ્રાંત અધિકારીની ટીમ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 18, 2026, 05:08 PM IST

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-જસદણ નેશનલ હાઇવે પર ગરીબોને વિતરણ માટેના સરકારી અનાજના ગેરકાયદે જથ્થાનો પર્દાફાશ થયો છે. ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે પાચાવાડા ગામના પાટિયા નજીક દરોડા દરમિયાન સરકારી ચોખાના કટ્ટા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સરકારી અનાજની કાળાબજારી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

450 ચોખાના કટ્ટા સાથે ટ્રક ઝડપાયો

પ્રાંત અધિકારીની ટીમે શંકાસ્પદ ટ્રકને રોકીને તેની તલાશી લેતા તેમાં સરકારી જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળના ચોખાના 450 કટ્ટા મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા ચોખાની અંદાજિત કિંમત રૂ.10 લાખ હોવાનું જાણવા મળ્યું છે. ટ્રક સહિત કુલ રૂ.30 લાખનો મુદ્દામાલ કબજે કરીને ચોટીલા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો છે.

ગાંધીધામમાં ઊંચા ભાવે વેચાણનો હતો પ્લાન

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સરકારી અનાજ અલગ-અલગ રિક્ષા ચાલકો પાસેથી ભેગું કરવામાં આવતું હતું. ત્યારબાદ ટ્રકમાં ભરી તેને ગાંધીધામ લઈ જઈ ઊંચા ભાવે વેચાણ કરવાની યોજના હતી. સરકારી અનાજના ગેરઉપયોગ અને કાળાબજારીના આ સમગ્ર નેટવર્ક અંગે હવે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

આરોપીની ઓળખ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ

તપાસ દરમિયાન સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાધલ (રહે. ધારૈયા, ચોટીલા)નું નામ સામે આવ્યું છે. તેના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય કોઈ વ્યક્તિ આ રેકેટમાં સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પુરવઠા તંત્રની ભૂમિકા પણ તપાસના દાયરામાં

વહીવટી તંત્ર હવે એ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે સરકારી અનાજ જાહેર વિતરણ વ્યવસ્થામાંથી બહાર કેવી રીતે આવ્યું અને તેમાં કોઈ દુકાનદાર અથવા અન્ય જવાબદાર વ્યક્તિની ભૂમિકા છે કે નહીં. સમગ્ર પુરવઠા શૃંખલાની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસનો ધમધમાટ : પોલીસે 2ની અટકાયત કરી, ફૅક્ટરી માલિક હજુ ફરાર

ગરીબોના હકના અનાજની કાળાબજારી સામે તંત્ર સખત

ચોટીલા પ્રાંત અધિકારીએ જણાવ્યું કે ગરીબોને મળતું સરકારી અનાજ કોઈપણ સંજોગોમાં કાળાબજારમાં વેચાઈ નહીં શકે. આવી ગેરરીતિઓ સામે સતત ચેકિંગ અને દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે વહીવટી તંત્ર સજાગ હોવાનું પણ તેમણે જણાવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now