Surat AAP Hawala Scandal: સુરત ક્રાઈમ બ્રાન્ચે એક સનસનાટીભર્યા ઓપરેશનમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા કથિત હવાલાકાંડનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી સુરત સુધી ફંડિંગના ટ્રેલની તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રા અને અજય તિવારી નામના બે શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા છેલ્લા પાંચથી છ મહિનામાં આંગડિયા પેઢીઓ મારફતે ₹1.25 કરોડથી વધુની રકમ સુરત મોકલવામાં આવી હતી. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ સત્તાવાર નિવેદન આપી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ ઘટનાની શરૂઆત આજે વહેલી સવારે મળી એક ગુપ્ત માહિતીથી થઈ હતી. ઉમરા પોલીસને મળેલી આ ઇનપુટ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસને શંકા છે કે આ ફંડિંગનો ઉપયોગ આગામી ચૂંટણીઓમાં ગેરકાયદેસર રીતે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવનાર હતો. આ સમગ્ર કૌભાંડમાં 8 થી 10 જેટલા લોકો સામેલ હોવાની શક્યતા છે, જેને પગલે હવે આઈટી (IT) વિભાગને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે.
કોણ છે આકાશ મિશ્રા અને શું છે તેની ભૂમિકા?
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સૌથી મોટું નામ આકાશ મિશ્રાનું સામે આવ્યું છે. આકાશ મિશ્રા દિલ્હી સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો ભૂતપૂર્વ પી.એ. (PA) હોવાનું બહાર આવ્યું છે. તે દિલ્હીથી સુરત હવાલા મારફતે આવતા નાણાંનો વહીવટ સંભાળતો હતો. અત્યાર સુધીમાં તે અલગ-અલગ આંગડિયા પેઢીઓ મારફતે ₹1 કરોડથી વધુની રકમ મેળવી ચૂક્યો હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. હાલ આકાશ મિશ્રા પોલીસની કસ્ટડીમાં છે, જોકે તે પૂછપરછમાં ગોળ-ગોળ જવાબ આપી તપાસને ગૂંચવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હિમાંશુ પાહુજા: કૉંગ્રેસનો પૂર્વ કાર્યકર અને હવે ‘આપ’નો સક્રિય સભ્ય
આ કૌભાંડમાં મુખ્ય કડી તરીકે હિમાંશુ પાહુજાનું નામ ઉછળ્યું છે. હિમાંશુ અગાઉ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો, પરંતુ હાલમાં તે આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે. પોલીસ તપાસ મુજબ, હિમાંશુ જ દિલ્હીથી હવાલા મારફતે સુરત પૈસા મોકલતો હતો. આ રકમ સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી રિસીવ કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં હિમાંશુ પાહુજાને પૂછપરછ માટે બોલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આંગડિયા પેઢીઓના CCTV ફૂટેજ અને IT તપાસ
ડીસીપી ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, પોલીસે સુરતની પાંચ જેટલી આંગડિયા પેઢીઓની ઓળખ કરી છે જ્યાં આ નાણાં આવ્યા હતા. પોલીસે આ આંગડિયા પેઢીઓના CCTV ફૂટેજ પણ મેળવી લીધા છે, જેમાં આકાશ મિશ્રા અને અજય તિવારી રોકડ લેવા આવતા સ્પષ્ટ દેખાય છે. ₹1.25 કરોડના આ શંકાસ્પદ વ્યવહારોની ગંભીરતા જોતા ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. હવે પોલીસ અને આઈટી વિભાગ સંયુક્ત રીતે તપાસ કરશે કે આ નાણાંનો સ્ત્રોત શું હતો અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો.





