10 વર્ષીય રિયાંશ ડાભી 'ધમાલ-4' માં અજય દેવગન સાથે દેખાશે, બોટ-કાર સીનમાં ધૂમ મચાવશે
સામાન્ય રીતે 10 વર્ષની ઉંમરે બાળકો રમત-ગમતમાં વ્યસ્ત હોય છે, ત્યારે સુરતના એક બાળકે નાની ઉંમરે બોલિવૂડના મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધા છે. સુરતના ટેલેન્ટેડ બાળ કલાકાર રિયાંશ ડાભીએ બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગનની બહુચર્ચિત કોમેડી ફિલ્મ 'ધમાલ-4' (Dhamaal 4) માં મહત્વનો રોલ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. માત્ર સાડા ચાર વર્ષની ઉંમરે શરૂ થયેલી રિયાંશની આ પ્રેરણાદાયી સફર આજે તેને સેલિબ્રિટી લીગમાં લાવી ચૂકી છે.
સુરતના રિયાંશે નાની ઉંમરે મેળવી મોટી સફળતા
જે ઉંમરે બાળકો પોતાની જ મસ્તીમાં લીન હોય છે, એવા સમયે સુરત શહેરના 10 વર્ષીય રિયાંશ ડાભીએ પોતાની અસાધારણ પ્રતિભા અને આત્મવિશ્વાસના બળે બોલિવૂડમાં એક નવી ઓળખ ઊભી કરી છે. અજય દેવગન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધમાલ-4' માં કો-સ્ટાર તરીકે સ્થાન મેળવીને તેણે માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર સુરત અને ગુજરાતનું નામ ગૌરવભેર રોશન કર્યું છે. આ ફિલ્મમાં તે અજય દેવગન સાથે ધમાકેદાર બોટ-કાર સીનમાં પણ એક્શન કરતો જોવા મળશે.
સવા ચાર વર્ષની ઉંમરે માતાએ ઓળખી પ્રતિભા
રિયાંશની બાળ કલાકાર તરીકેની સફર જેટલી પ્રેરણાદાયી છે એટલી જ રસપ્રદ પણ છે. જ્યારે રિયાંશ માત્ર સવા ચાર વર્ષનો હતો, ત્યારે તેની માતાએ તેનો પહેલો વિડીયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. વાસ્તવમાં, ઘરમાં તેની મોટી બહેનને એક્ટિંગ શીખવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો, પરંતુ નાનકડો રિયાંશ બધું ખૂબ જ ઝડપથી અને સહજતાથી શીખી લેતો હતો.
એટલું જ નહીં, તે પોતાની બહેનને પણ એક્ટિંગના હાવભાવ (Expressions) સમજાવતો હતો. પુત્રની આ કુદરતી કળા અને ટેલેન્ટ જોઈને તેની માતાએ તેને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તક અપાવવા માટે અથાગ મહેનત શરૂ કરી હતી, જે આજે સફળ સાબિત થઈ છે.





