'Alpha' ટ્રેલર: બોબી દેઓલના ખતરનાક ઈરાદાઓ સામે લડશે આલિયા-શર્વરી, રિતિક રોશને વધાર્યું રોમાંચ
યશરાજ ફિલ્મ્સ (YRF) ના પ્રખ્યાત સ્પાય યુનિવર્સની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Alpha' નું ઓફિશિયલ ટ્રેલર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ સ્ટારર આ એક્શન-થ્રિલર ફિલ્મનું ટ્રેલર સેન્સર બોર્ડ (CBFC) દ્વારા 16 June ના રોજ પાસ કરવામાં આવ્યા બાદથી જ ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
આલિયા ભટ્ટ બની 'સીતા', શર્વરીનું પાત્ર રાખવામાં આવ્યું સસ્પન્સ
ટ્રેલરમાં આલિયા ભટ્ટને 'સીતા' તરીકે રજૂ કરવામાં આવી છે અને તેનું આ નામ કેમ રાખવામાં આવ્યું તે પાછળની રસપ્રદ વાર્તા પણ સમજાવવામાં આવી છે. ફિલ્મમાં તે એક એવી એસ્સેસિન (ખૂંખાર કિલર) ના રોલમાં છે જેને નાનપણથી જ માત્ર મારવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. બીજી તરફ, શર્વરીના કેરેક્ટર આર્કને મેકર્સે હજુ પણ સસ્પન્સ રાખ્યો છે, જે થિયેટરમાં દર્શકો માટે એક મોટી સરપ્રાઈઝ સાબિત થઈ શકે છે. જો કે, ટ્રેલર સંકેત આપે છે કે તે બોબી દેઓલને રોકવા માટે આલિયા ભટ્ટ સાથે ટીમ બનાવે છે.
વિલન તરીકે બોબી દેઓલ અને મેન્ટરના રોલમાં અનિલ કપૂર
આ ફિલ્મમાં બોબી દેઓલ એક ક્રૂર અને શક્તિશાળી વિલનના રોલમાં જોવા મળી રહ્યો છે, જે પહેલા આલિયાનો મેન્ટર હોય છે પરંતુ બાદમાં તેનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આ સિવાય બોલિવૂડના એવરગ્રીન સુપરસ્ટાર અનિલ કપૂર પણ ટ્રેલરમાં નજરે પડે છે, જેઓ આ 'આલ્ફા પ્રોગ્રામ' સાથે સીધા જોડાયેલા હોવાનું બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ બે નીડર યુવતીઓની લડાઈ અને તેમના હાઈ-ઓક્ટેન એક્શન સીન્સ પર આધારિત છે.
રિતિક રોશનનો કેમિયો અને ‘War’ કનેક્શન
YRF સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં સૌથી મોટી સરપ્રાઈઝ સુપરસ્ટાર રિતિક રોશનની એન્ટ્રી છે. ટ્રેલરમાં રિતિક રોશનનો શાનદાર કેમિયો જોવા મળ્યો છે, જે સ્પાય યુનિવર્સની સુપરહિટ ફિલ્મ 'War' ના કનેક્શનને આગળ વધારે છે. આ સિવાય ગ્લોબલ ટોપ ડીજે HUGEL નું પ્રખ્યાત ચાર્ટબસ્ટર ટ્રેક 'Jamaican Bam Bam' આ ટ્રેલરમાં બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે વાપરવામાં આવ્યું છે, જે તેના વિઝ્યુઅલ્સ અને એક્શન સીન્સની એનર્જીને બેગણી કરી દે છે.
3 July ના રોજ ગ્લોબલ રિલીઝ
શિવ રવૈલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 'Ek Tha Tiger', 'Tiger Zinda Hai', 'War', 'Pathaan', 'Tiger 3' અને 'War 2' પછીની YRF સ્પાય યુનિવર્સની આગામી મોટી ફિલ્મ છે. આદિત્ય ચોપરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ હાઈ-બજેટ ફિલ્મ 3 July 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સ ટૂંક સમયમાં જ આ ફિલ્મનું એક મોટું માર્કેટિંગ કેમ્પેઈન પણ શરૂ કરવા જઈ રહ્યા છે.
જોઓ ટ્રેલર અહી....





