Surat Crime: ડાયમંડ સિટી સુરતના અમરોલી વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. એક 11 વર્ષની માસૂમ બાળકી જ્યારે આલુપુરી લેવા માટે દુકાને ગઈ હતી, ત્યારે દુકાનદાર દ્વારા તેની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ આધેડની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પકડાયેલા આરોપીનું નામ દિનેશ જીવરાજ રામાણી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે તપાસ માટે (રિકન્સ્ટ્રક્શન) લઈ ગઈ હતી, ત્યારે સ્થાનિક મહિલાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલી મહિલાઓએ નરાધમ આરોપી પર હાથ સાફ કર્યો હતો અને તેને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે માંડ-માંડ આરોપીને મહિલાઓના ચુંગાલમાંથી બચાવી ગાડીમાં બેસાડ્યો હતો.
આલુપુરી લેવા ગયેલી માસૂમ પર બગાડી દાનત
ઘટનાની વિગત મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકી ઘર નજીક આવેલી નાસ્તાની દુકાને આલુપુરી લેવા માટે ગઈ હતી. આ સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક હાજર નહોતું. નિર્દોષ બાળકીને એકલી જોઈને દુકાનદાર દિનેશ રામાણીની દાનત બગડી હતી. તેણે બાળકીને વાતોમાં ભોળવીને દુકાનમાં રહેલા ટેબલ પર બેસાડી હતી. ત્યારબાદ તેણે બાળકી સાથે શારીરિક અડપલાં કરી તેની છેડતી કરી હતી. ગભરાયેલી બાળકીએ ઘરે જઈને પરિવારને આ અંગે જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

અમરોલી પોલીસની ત્વરિત કાર્યવાહી: આરોપી જેલ ભેગો
બાળકીના પરિવારની ફરિયાદના આધારે અમરોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે પોક્સો (POCSO) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી દિનેશ જીવરાજ રામાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આધેડ વયના આ શખ્સે માનવતાની તમામ હદો વટાવીને માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની અને કડક સજા અપાવવાની તજવીજ હાથ ધરી છે.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલાઓનો 'ટપલી દાવ'
આરોપીની ધરપકડ બાદ અમરોલી પોલીસ તેને તપાસના ભાગરૂપે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. જેવી પોલીસની ગાડી દુકાન પાસે પહોંચી કે તરત જ આસપાસની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ ગઈ હતી. માસૂમ બાળકી સાથે થયેલા આ કૃત્યથી રોષે ભરાયેલી મહિલાઓએ આરોપીને જોતા જ તેના પર તૂટી પડી હતી. મહિલાઓએ આરોપીને થપ્પડો મારી હતી અને તેનો 'ટપલી દાવ' કર્યો હતો. આ દ્રશ્યો જોઈને અન્ય લોકોમાં પણ એવો સુર ઉઠ્યો હતો કે આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી સમાજમાં દાખલો બેસે.





