સુરત: ડાયમંડ સિટી સુરતના એરપોર્ટ પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવતા સુરક્ષા એજન્સીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. એક માથાભારે યુવકે એરપોર્ટ સ્ટાફ સાથેની બોલાચાલીમાં ઉગ્ર બનીને "મારી પાસે બોમ્બ છે" તેવી ગંભીર ધમકી આપતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સાંભળતા જ ત્યાં હાજર પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને સુરક્ષામાં તૈનાત CISFના જવાનોએ તુરંત હરકતમાં આવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જોકે, કલાકોની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ માત્ર એક ખોટી અફવા હતી, પરંતુ આ મજાક યુવકને હવે જેલના સળિયા પાછળ ધકેલી શકે તેમ છે.
ટાણે-કટાણે બોમ્બની ધમકીથી સુરક્ષા તંત્ર સતર્ક
માહિતી મુજબ, સુરત એરપોર્ટ પર એક યુવક કોઈ કારણસર એરપોર્ટ સ્ટાફ સાથે ઉગ્ર દલીલો કરી રહ્યો હતો. વાત એટલી હદે વણસી ગઈ કે, યુવકે ગુસ્સામાં આવીને જાહેર કર્યું કે તેની પાસે બોમ્બ છે. આ નિવેદન આપતા જ એરપોર્ટના સુરક્ષા પ્રોટોકોલ મુજબ તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને બોલાવીને એરપોર્ટના ખૂણેખૂણામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સદનસીબે, તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
આ પણ વાંચો: "5 વર્ષ પહેલાં UCC હોત તો મારી દીકરી જીવતી હોત" : જાણો સરકારના સમર્થનમાં આયશાના પિતા લિયાકતઅલીએ બીજું શું કહ્યું
દુમસ પોલીસની કાર્યવાહી: યુવકની ધરપકડ
ઘટનાની ગંભીરતાને જોતા દુમસ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક એરપોર્ટ પર દોડી આવ્યો હતો. પોલીસે "બોમ્બ" હોવાનો દાવો કરનાર યુવકને કસ્ટડીમાં લઈ તેની કડક પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવકે માત્ર સ્ટાફને ડરાવવા અથવા આવેશમાં આવીને આ પ્રકારનું ભયાનક નિવેદન આપ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી યુવકની અટકાયત કરી છે અને તેની માનસિક સ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
અફવા ફેલાવવી એ ગંભીર ગુનો: એરપોર્ટ ઓથોરિટીની અપીલ
એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ બોમ્બ જેવી ખોટી અફવા ફેલાવવી એ નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો બની શકે છે. આ પ્રકારની હરકતથી માત્ર મુસાફરોમાં ભય નથી ફેલાતો, પરંતુ એરપોર્ટની કામગીરી અને ફ્લાઈટ્સના શિડ્યુલ પર પણ માઠી અસર પડે છે. સુરક્ષા એજન્સીઓએ નાગરિકોને સખત ચેતવણી આપી છે કે મજાકમાં પણ સુરક્ષાને લગતા આવા ખોટા દાવા ન કરવા, અન્યથા કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.





