દેશમાં દેહવ્યાપાર સંબંધિત કાયદાના અમલ અને તેની વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પુખ્ત વયની મહિલા પોતાની મરજીથી અને જીવનનિર્વાહ માટે એકલી દેહવ્યાપાર કરે છે તો તેના નિવાસસ્થાનને કાયદાકીય રીતે 'બ્રોથલ' અથવા 'કોઠો' તરીકે ગણાવી શકાય નહીં. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ (ITPA), 1956ની વિસ્તૃત વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે કાયદાનો મુખ્ય હેતુ દેહવ્યાપારને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનો નથી પરંતુ તેના વ્યાવસાયિક શોષણ, માનવ તસ્કરી અને સંગઠિત ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો છે.
70 વર્ષ જૂના કાયદાની મહત્વપૂર્ણ વ્યાખ્યા
લગભગ 298 પાનાના ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે જો કોઈ મહિલા એકલી પોતાના જીવનનિર્વાહ માટે આ વ્યવસાયમાં સંકળાયેલી હોય અને ત્યાં અન્ય કોઈ સેક્સ વર્કર, દલાલ અથવા ગેરકાયદે નેટવર્ક કાર્યરત ન હોય, તો માત્ર આ આધાર પર પોલીસ તે સ્થળને કોઠો જાહેર કરી કાર્યવાહી કરી શકતી નથી. અદાલતે જણાવ્યું કે ITPA કાયદાની જોગવાઈઓનો હેતુ માનવ તસ્કરી, બળજબરી અને શોષણ સામે લડવાનો છે, જ્યારે પુખ્ત વયના લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે લેવાયેલા નિર્ણયો અલગ રીતે જોવાની જરૂર છે.
જાહેર સ્થળોએ ગ્રાહકોને આકર્ષવું દંડનીય
સુપ્રીમ કોર્ટે ITPAની કલમ 7 અને 8નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જાહેર સ્થળો, ધાર્મિક સ્થળોની આસપાસ અથવા રસ્તાઓ પર ગ્રાહકોને આકર્ષવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ કાયદા હેઠળ દંડનીય બની શકે છે. કારણ કે આવી પ્રવૃત્તિઓ જાહેર શિસ્ત અને સામાજિક વ્યવસ્થાને અસર કરી શકે છે. પરંતુ ખાનગી સ્થળે પોતાની મરજીથી જીવનનિર્વાહ માટે કાર્ય કરતી પુખ્ત વયની મહિલાઓને માત્ર તેમના વ્યવસાયના આધારે ગુનેગાર તરીકે જોવું યોગ્ય નથી, એમ અદાલતે સ્પષ્ટ કર્યું.
પોલીસ અને મેજિસ્ટ્રેટને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
ચુકાદામાં અદાલતે પોલીસ અને મેજિસ્ટ્રેટ માટે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. અદાલતે જણાવ્યું કે દરોડા દરમિયાન સ્થળ પરથી મળતી દરેક મહિલાને આપમેળે ગુનેગાર અથવા પીડિત તરીકે ગણવી યોગ્ય નથી. મેજિસ્ટ્રેટે પ્રાથમિક તપાસમાં સૌપ્રથમ એ નિશ્ચિત કરવું જોઈએ કે સંબંધિત મહિલા પુખ્ત વયની છે કે નહીં અને શું તે પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી આ વ્યવસાયમાં સંકળાયેલી છે. જો મહિલા પુખ્ત વયની હોય અને પોતાની મરજીથી આ કાર્ય કરતી હોય તો તેને બળજબરીપૂર્વક બચાવીને (Rescue) સુધારગૃહ અથવા શેલ્ટર હોમમાં મોકલી શકાશે નહીં.
આ પણ વાંચો: બંગાળ સરકારમાં મંત્રી બન્યો ટીમ ઈન્ડિયાનો આ ધુરંધર : CM સુવેન્દુએ સરકારમાં આપી મોટી જવાબદારી
પુનર્વસન સુવિધા ફરજિયાત નહીં
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજ્ય સરકારો અને તંત્ર પુનર્વસન, સહાય અને કલ્યાણકારી યોજનાઓ ઉપલબ્ધ કરાવી શકે છે, પરંતુ કોઈ પુખ્ત નાગરિક પર તેની ઇચ્છા વિરુદ્ધ પુનર્વસન પ્રક્રિયા લાદી શકાતી નથી. અદાલતના મત મુજબ વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો છે અને કાયદાનો અમલ કરતી વખતે આ અધિકારોનું રક્ષણ કરવું જરૂરી છે.
માનવ તસ્કરી અને સ્વૈચ્છિક દેહવ્યાપાર વચ્ચેનો તફાવત
આ ચુકાદો માનવ તસ્કરી, બળજબરીપૂર્વકના શોષણ અને સ્વૈચ્છિક દેહવ્યાપાર વચ્ચેનો કાયદાકીય તફાવત વધુ સ્પષ્ટ કરે છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે કાયદાનો હેતુ શોષણ અટકાવવાનો છે, વ્યક્તિગત સ્વતંત્રતા પર અનાવશ્યક નિયંત્રણ લાવવાનો નહીં. આ ચુકાદાને દેહવ્યાપાર સંબંધિત કાયદાની વ્યાખ્યા અને માનવ અધિકારોના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ ન્યાયિક વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.





