મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. વિશ્વની સૌથી મહત્વપૂર્ણ જળસંધિઓમાંથી એક હોર્મુઝ જળસંધિ અમેરિકા દ્વારા સંભવિત નિયંત્રણ અથવા પ્રતિબંધાત્મક પગલાંની ચર્ચાઓ વચ્ચે વૈશ્વિક તેલ સપ્લાય અને અર્થવ્યવસ્થા પર ગંભીર અસરની આશંકા વધી રહી છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન પર હુમલો કર્યો ત્યારથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ ખોરવાઈ ગયું. ઈરાને અગાઉ જાહેરાત કરી હતી કે આ માર્ગ ખુલ્લો રહેશે પરંતુ હવે તેને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઈરાનના સંયુક્ત લશ્કરી કમાન્ડે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ સામાન્ય થઈ ગયું છે અને હવે તે સશસ્ત્ર દળોની કડક દેખરેખ અને નિયંત્રણ હેઠળ છે. તેણે ચેતવણી પણ આપી હતી કે જ્યાં સુધી ઈરાની બંદરો પર USની નાકાબંધી ચાલુ રહેશે ત્યાં સુધી જળમાર્ગ દ્વારા શિપિંગ અટકાવવામાં આવશે.
ઈરાન અને મધ્ય પૂર્વની ભૂમિકા
મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલતા રાજકીય તણાવને કારણે આ વિસ્તાર હંમેશા સંવેદનશીલ રહ્યો છે. ઈરાન વારંવાર હોર્મુઝ જળસંધિને બંધ કરવાની ચેતવણી આપી ચૂક્યું છે. અમેરિકા અને તેના સાથી દેશો આ માર્ગને ખુલ્લો રાખવા માટે પ્રતિબદ્ધ છે. ખાડી દેશો માટે આ જીવનરેખા સમાન છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ નાનું પગલું પણ મોટા સંઘર્ષમાં પરિવર્તિત થઈ શકે છે.
આ પણ વાંચો: પશ્ચિમ એશિયામાં ફરી ભડકાશે યુદ્ધ? : ટ્રમ્પના યુદ્ધવિરામ પરના સંકેતોથી વધી વૈશ્વિક ચિંતા
વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર
જો હોર્મુઝ જળસંધિમાં અવરોધથી કાચા તેલના ભાવમાં વધારો થાય છે. આ માર્ગ માત્ર તેલ માટે જ નહીં પરંતુ અન્ય માલસામાન માટે પણ મહત્વપૂર્ણ છે. ભારત જેવા તેલ આયાત પર નિર્ભર દેશો માટે આ સ્થિતિ ગંભીર બની શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. મોંઘવારી વધી શકે છે. આર્થિક વૃદ્ધિ પર દબાણ આવી શકે છે.
હોર્મુઝ જળસંધિ વિશ્વના ઊર્જા પુરવઠા માટે કી પોઈન્ટ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વૈશ્વિક રાજકારણને અસર કરે છે. તેલના ભાવ વધવાથી સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડે છે. હોર્મુઝ જળસંધિમાં વધતો તણાવ સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક છે. અમેરિકાએ સંભવિત પગલાં અને ઈરાનની પ્રતિક્રિયા વચ્ચે વિશ્વની નજર હવે આ વ્યૂહાત્મક માર્ગ પર ટકી છે. આગામી દિવસોમાં આ પરિસ્થિતિ કઈ દિશામાં જાય છે, તે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને રાજકારણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.





