Home Gujarat State Level Republic Day Celebrations In Vav Tharad

વાવ-થરાદમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું

વાવ-થરાદમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 06:36 AM IST

વાવ–થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગૌરવસભર ઉપસ્થિતિમાં થરાદ તાલુકાના મલુપુર ખાતે નવી કોર્ટની સામે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ અને મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં સવાર થઈ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અને રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિનો ભાવ ઉજાગર કરવામાં આવ્યો.

પ્રજાસત્તાક પર્વ ગર્વભેર ઉજવણી

આ અવસરે પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડ તેમજ વિવિધ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે રંગબેરંગી અને મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં લોકકલા, દેશભક્તિ ગીતો અને નૃત્યો દ્વારા પ્રજાસત્તાક પર્વની મહત્તા દર્શાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમ લોકભાગીદારી અને વિકાસના પ્રતીક રૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બન્યો હતો.

વાવ-થરાદના વિકાસ કાર્યોની આપી ભેટ

આ ઉપરાંત રવિવારે 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવ–થરાદ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી અને લોકહિતકારી કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે વાવ–થરાદ જિલ્લાના ગૌમાતા સર્કલનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ નવા સેવા સદન તથા દૂધવા જીઆઇડીસીના ભૂમિપૂજન કાર્યક્રમો પણ યોજાયા હતા. આ દિવસે નારી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગૌભક્તો સાથે સંવાદ કરીને ગૌસેવા અને ગૌરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ તમામ કાર્યક્રમોએ સરકારની વિકાસપ્રતિબદ્ધતા અને સમાજકલ્યાણ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરી. તે જ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે ‘એટ હોમ’ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મહેમાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો. સમગ્ર પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ–થરાદ જિલ્લાની પ્રગતિ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવનું સુંદર પ્રતિબિંબ બની રહી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now