પ્રથમ વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર બનતા સ્થાનિકોમાં રોષ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર પ્રશ્નો
નવસારી શહેરમાં સિઝનના પ્રથમ નોંધપાત્ર વરસાદે જ નવસારી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને અરવિંદનગર સોસાયટી અને નાગતલાવડી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બનતા લોકોમાં મનપા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
અરવિંદનગર સોસાયટીમાં વરસાદ શરૂ થયા બાદ થોડા જ સમયમાં રસ્તાઓ પર પાણી ભરાવા લાગ્યા હતા. વરસાદી પાણીનો સમયસર નિકાલ ન થતાં પાણી સીધા રહેણાંક મકાનોમાં ઘૂસી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર વરસાદી પાણી જ નહીં પરંતુ ગટરનું દુષિત પાણી પણ ઘરોમાં પ્રવેશી જતાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન, ફર્નિચર તેમજ અન્ય ચીજવસ્તુઓને નુકસાન પહોંચવાની ભીતિ વચ્ચે લોકોને કલાકો સુધી પાણી કાઢવાની કામગીરી કરવી પડી હતી.
વડોદરા શહેર અને ડભોઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: સીઝનના પ્રથમ વરસાદથી ગરમીથી મોટી રાહત
ગટરિયા પાણી ઘરોમાં ઘૂસતાં આરોગ્ય અંગે પણ ચિંતા
સ્થાનિકોએ જણાવ્યું કે ગટરિયા પાણી ઘરોમાં પ્રવેશતાં દુર્ગંધ ફેલાઈ હતી, જેના કારણે આરોગ્ય સંબંધિત જોખમ પણ ઉભું થયું છે. વરસાદી મોસમ દરમિયાન ગંદા પાણીના ભરાવાને કારણે ચેપી રોગો ફેલાવાની શક્યતા રહેતી હોવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે. રહેવાસીઓએ તાત્કાલિક અસરથી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવાની અને ગટર વ્યવસ્થાની સફાઈ કરવાની માંગ કરી છે.
બીજી તરફ શહેરના નાગતલાવડી વિસ્તારમાં પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આશરે ૨૦ જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતાં પરિવારોને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકી વેઠવી પડી હતી. ઘણા પરિવારોને ઘરમાંથી પાણી બહાર કાઢવા માટે સ્વયં પ્રયાસો કરવા પડ્યા હતા.

વારંવાર રજૂઆત છતાં ઉદાસીનતાનો આક્ષેપ
સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે વરસાદી પાણીના નિકાલની સમસ્યા નવી નથી. છેલ્લા ઘણા સમયથી અનેક વખત નવસારી મહાનગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પ્રથમ જ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિકોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ વાસ્તવિક સ્થિતિ સામે આવી જાય છે. વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઇન, ગટરો અને વરસાદી પાણીની ચેનલોની યોગ્ય સફાઈ તથા જાળવણી ન થતી હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે.
સુરતના કોસાડમાં વરસાદી પાણીનો કહેર: ગ્રેહમ આઇકનના બેઝમેન્ટમાં પાણી ભરાતા 25 જેટલા વાહનો ડૂબ્યા
તંત્ર પાસેથી તાત્કાલિક પગલાંની માંગ
સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી પાણીના ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે. સાથે જ ગટર અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત બનાવવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ આયોજન કરવા અને આગામી વરસાદ પહેલાં જરૂરી કામગીરી પૂર્ણ કરવાની પણ માંગ ઉઠી છે.
પ્રથમ વરસાદમાં જ સર્જાયેલી આ સ્થિતિને પગલે શહેરમાં પ્રિ-મોન્સૂન તૈયારીઓ અને શહેરી ડ્રેનેજ વ્યવસ્થાની અસરકારકતા અંગે અનેક સવાલો ઉભા થયા છે. હવે આગામી દિવસોમાં મનપા તંત્ર આ સમસ્યાના ઉકેલ માટે કેટલાં ઝડપથી અને અસરકારક પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર ટકેલી છે.





