Home Tech/Gadgets Starlink Satellite Internet Working Mechanism Elon Musk India Launch Pros Cons Technology Explained

ઇલોન મસ્કની સ્ટારલિંક ભારત આવવાની તૈયારીમાં : જાણો ઇન્ટરનેટ કેવી રીતે કરે છે કામ? તેના શું છે ફાયદા?

ઇલોન મસ્કની સ્ટારલિંક ભારત આવવાની તૈયારીમાં
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 03:00 AM IST

ભારતના ટેકનોલોજી ક્ષેત્રમાં હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલા કંપનીના પ્લાન લીક થયા હોવાના સમાચાર વહેતા થયા હતા પરંતુ કંપનીએ તુરંત સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર એક ટેકનિકલ ખામી હતી અને હજુ સુધી કોઈ કિંમત નક્કી કરવામાં આવી નથી. જોકે આ ઘટના બાદ લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી છે કે જમીન પર ટાવર કે કેબલ વગર સીધું અવકાશમાંથી ઇન્ટરનેટ કેવી રીતે મળે છે. આજના સમયમાં જ્યારે ડિજિટલ ક્રાંતિ ચાલી રહી છે ત્યારે સેટેલાઇટ ઇન્ટરનેટ ભવિષ્યની મોટી ટેકનોલોજી સાબિત થઈ શકે છે.

સેટેલાઇટ ઇન્ટરનેટની કાર્યપદ્ધતિ

સામાન્ય રીતે આપણા સુધી પહોંચતું ઇન્ટરનેટ જમીન પર બિછાવેલા કેબલ દ્વારા આવે છે પરંતુ સેટેલાઇટ ઇન્ટરનેટમાં રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે. આ આખી પ્રક્રિયા ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. જેમાં સૌથી પહેલા ગ્રાહકના ઘરની છત પર લાગેલી સેટેલાઇટ ડિશ આવે છે. બીજો મહત્વનો ભાગ અવકાશમાં ફરતા ઉપગ્રહો છે અને ત્રીજો ભાગ જમીન પર સ્થિત ડેટા સેન્ટર છે. જ્યારે તમે ઇન્ટરનેટ પર કઈ સર્ચ કરો છો ત્યારે તમારી ડિશ અવકાશમાં રહેલા સેટેલાઇટને સિગ્નલ મોકલે છે. ત્યાંથી તે સિગ્નલ પૃથ્વી પરના ડેટા સેન્ટર પર જાય છે અને ત્યાંથી માહિતી પરત તે જ રસ્તે સેટેલાઇટ મારફતે તમારા ઘરની ડિશ સુધી પહોંચે છે.

દુર્ગમ વિસ્તારો માટે આશીર્વાદ સમાન

શહેરોમાં મોબાઈલ ટાવર અને ફાઈબર કેબલનું નેટવર્ક સરળતાથી મળી રહે છે પરંતુ અંતરિયાળ ગામડાઓ કે પહાડી વિસ્તારોમાં આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું ખૂબ ખર્ચાળ હોય છે. સેટેલાઇટ ઇન્ટરનેટ માટે આવા કોઈ જમીની નેટવર્કની જરૂર પડતી નથી. આ ટેકનોલોજી પૂર કે ધરતીકંપ જેવી કુદરતી હોનારતો સમયે પણ અવિરત સેવા આપી શકે છે જ્યારે સામાન્ય નેટવર્ક ખોરવાઈ જતા હોય છે. તેથી જ આ ટેકનોલોજીને ડિજિટલ ઇકોનોમી માટે ક્રાંતિકારી માનવામાં આવે છે.

સેટેલાઇટ ક્યાં ગોઠવવામાં આવે છે

અવકાશમાં સેટેલાઇટ સ્થાપિત કરવાના અલગ અલગ સ્તર હોય છે. જીઓસ્ટેશનરી સેટેલાઇટ પૃથ્વીથી લગભગ 35786 કિલોમીટર ઉપર હોય છે જે મોટો વિસ્તાર કવર કરે છે પરંતુ અંતર વધુ હોવાથી તેમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી મળી શકે છે. જ્યારે સ્ટારલિંક જેવી કંપનીઓ લો અર્થ ઓર્બિટ એટલે કે LEO નો ઉપયોગ કરે છે. આ સેટેલાઇટ પૃથ્વીથી માત્ર 2000 કિલોમીટર કે તેથી ઓછી ઊંચાઈએ હોય છે. પૃથ્વીથી નજીક હોવાને કારણે તેમાં ડેટાની સ્પીડ ખૂબ વધારે મળે છે અને લેટન્સી ઓછી રહે છે. સ્ટારલિંક પાસે હાલમાં 7000 સેટેલાઇટ છે અને ભવિષ્યમાં આ સંખ્યા 42000 સુધી લઈ જવાની યોજના છે.

ફાયદા અને ગેરફાયદા

આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે જંગલ હોય કે રણ ગમે ત્યાં ઇન્ટરનેટ વાપરી શકાય છે. તે ભૌગોલિક પરિસ્થિતિઓથી મુક્ત છે. જોકે સામાન્ય બ્રોડબેન્ડની સરખામણીમાં આ સેવા ગ્રાહકોને થોડી મોંઘી પડી શકે છે. આ સિસ્ટમ સેટ કરવાનો ખર્ચ પણ સામાન્ય ગ્રાહક માટે વધારે હોઈ શકે છે. આ ઉપરાંત સેટેલાઇટ લોન્ચ કરવાનો ખર્ચ કરોડોમાં હોવાથી તેની સેવાઓ સસ્તી થવાની શક્યતા ઓછી હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now