કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 27 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે અને બે ડઝનથી વધુ ઘાયલ થયા છે. છેલ્લા અઢી દાયકામાં કાશ્મીરમાં પ્રવાસીઓ પર આ સૌથી મોટો હુમલો છે. સુરક્ષાદળો ફરાર આતંકીઓને ઠાર કરવા ઓપરેશન ચલાવી રહ્યા છે. આ હુમલાએ એવા સમયે ચિંતા વધારી છે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની મુલાકાતે છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 27 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં પ્રવાસીઓ અને સ્થાનિક બંનેનો સમાવેશ થાય છે. છેલ્લા અઢી દાયકામાં કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે.
હુમલા બાદ ભાગી ગયેલા આતંકવાદીઓને મારવા માટે સુરક્ષા દળોએ પણ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. કાશ્મીરમાં આ હુમલો ત્યારે થયો છે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની મુલાકાતે છે.
વર્ષ 2000થી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ઘણી વખત પ્રવાસીઓ, તીર્થયાત્રીઓ અને સ્થાનિકોને નિશાન બનાવ્યા છે.
2000 થી 2025 સુધીના આતંકવાદી હુમલાઓ પર એક નજર
21 માર્ચ, 2000 - શીખ સમુદાય પર હુમલો
આતંકવાદીઓએ 21 માર્ચની રાત્રે અનંતનાગ જિલ્લાના છત્તીસિંગપોરા ગામમાં લઘુમતી શીખ સમુદાયને નિશાન બનાવ્યું, જેમાં 36 લોકો માર્યા ગયા.
ઓગસ્ટ 2000માં અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા
નુનવાન બેઝ કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં બે ડઝન અમરનાથ યાત્રીઓ સહિત 32 લોકો માર્યા ગયા હતા.
જુલાઈ 2001માં 13 લોકો માર્યા ગયા હતા
અનંતનાગના શેષનાગ બેઝ કેમ્પ પર થયેલા આ આતંકવાદી હુમલામાં અમરનાથ યાત્રીઓને ફરીથી નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 13 લોકો માર્યા ગયા હતા.
1 ઓક્ટોબર 2001ના રોજ 36 લોકોએ જીવ ગુમાવ્યા
શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિધાનસભા સંકુલ પર આત્મઘાતી (ફિદાયીન) આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 36 લોકો માર્યા ગયા હતા.
2002માં અમરનાથ યાત્રીઓ પર હુમલો
ચંદનવારી બેઝ કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો અને 11 અમરનાથ યાત્રીઓ માર્યા ગયા હતા.
નવેમ્બર 23, 2002 નવ સુરક્ષા કર્મચારીઓ પર હુમલો
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દક્ષિણ કાશ્મીરના લોઅર મુંડા ખાતે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટમાં નવ સુરક્ષા દળના કર્મચારીઓ, ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત ઓગણીસ લોકો માર્યા ગયા હતા.
23 માર્ચ, 2003ના રોજ કાશ્મીરી પંડિતો પર હુમલો
આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના નંદીમાર્ગ ગામમાં 11 મહિલાઓ અને બે બાળકો સહિત ઓછામાં ઓછા 24 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી.
13 જૂન 2005 સરકારી શાળાની સામે બ્લાસ્ટ
પુલવામામાં સરકારી શાળાની સામેના ગીચ બજારમાં વિસ્ફોટકોથી ભરેલી કારમાં વિસ્ફોટ થતાં બે શાળાના બાળકો અને ત્રણ CRPF અધિકારીઓ સહિત 13 નાગરિકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
12 જૂન 2006ના રોજ કામદારોને નિશાન બનાવવામાં આવ્યા
કુલગામમાં નવ નેપાળી અને બિહારી મજૂરોના મોત થયા હતા.
10 જુલાઈ 2017: યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલો
કુલગામમાં અમરનાથ યાત્રીઓની બસ પર હુમલો, 8 લોકોના મોત.






