Home International Speaker Om Birla Returns To Lok Sabha After No Confidence Motion Fails Om Birla Speech On Rules And Privileges In Parliament

લોકસભામાં પરત ફર્યા સ્પીકર ઓમ બિરલા : "કોઈ સભ્ય નિયમોથી ઉપર નથી", અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ સ્પીકરે વિપક્ષને આપ્યો જડબાતોડ જવાબ

લોકસભામાં પરત ફર્યા સ્પીકર ઓમ બિરલા
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 09:14 AM IST

Lok Sabha Speaker: ભારતીય સંસદીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક બાદ લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે ફરી એકવાર ગૃહની કાર્યવાહીમાં પરત ફર્યા છે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભામાં ધ્વનિ મતથી હરાવી દેવામાં આવ્યા બાદ, ઓમ બિરલાએ આજે ગૃહનું સુકાન સંભાળ્યું હતું. લોકસભામાં પોતાની વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલી લાંબી ચર્ચા બાદ સ્પીકર ઓમ બિરલાએ આજે ગૃહમાં મક્કમતા સાથે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. વિપક્ષ દ્વારા સ્પીકરની નિષ્પક્ષતા પર ઉઠાવવામાં આવેલા સવાલો અને 'અવાજ દબાવવાના' આક્ષેપો પર ઓમ બિરલાએ ખૂબ જ ગંભીરતાથી જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લોકસભા એ માત્ર એક ઈમારત નથી પરંતુ દેશના 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતું પવિત્ર સ્થાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્પીકર તરીકે તેમની પ્રાથમિક જવાબદારી ગૃહની કાર્યવાહીને નિર્ધારિત નિયમો અને પ્રક્રિયાઓ મુજબ ચલાવવાની છે.

સ્પીકરે વિપક્ષના એ આક્ષેપને પાયાવિહોણો ગણાવ્યો હતો કે વિપક્ષના સભ્યોના માઈક બંધ કરી દેવામાં આવે છે. તેમણે ગૃહના સભ્યોને સંબોધતા કહ્યું કે સંસદમાં શિસ્ત જાળવવી એ દરેક સભ્યની જવાબદારી છે. જ્યારે સભ્યો નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા મર્યાદા ઓળંગે છે, ત્યારે સંસદની ગરિમાની રક્ષા માટે કઠોર નિર્ણયો લેવા અનિવાર્ય બની જાય છે. તેમની વાપસી સાથે જ તેમણે ગૃહમાં પદ્ધતિસરની કાર્યવાહી અને દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયા અંગે પણ નવી સ્પષ્ટતા કરી હતી.

"માઈક પર સ્પીકરનું નિયંત્રણ નથી": અફવાઓનું ખંડન

વિપક્ષના સભ્યો વારંવાર આક્ષેપ કરતા હોય છે કે જ્યારે તેઓ બોલવા ઉભા થાય છે ત્યારે તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે. આ મુદ્દે ઓમ બિરલાએ હસીને જવાબ આપ્યો કે, "સ્પીકર પાસે માઈકને નિયંત્રિત કરવા માટે કોઈ ખાસ બટન હોતું નથી. ગૃહમાં સભ્યો ત્યારે જ બોલી શકે છે જ્યારે તેમની વારો આવે અને સ્પીકર તેમને પરવાનગી આપે." તેમણે સ્પષ્ટ કર્યું કે ટેકનિકલ રીતે માઈકનું સંચાલન સ્પીકરના ટેબલ પરથી નથી થતું, પરંતુ તે સંસદીય શિષ્ટાચાર મુજબ ચાલતી પ્રક્રિયા છે.

દસ્તાવેજો અને ફોટા રજૂ કરવા માટે સ્પીકરની મંજૂરી ફરજિયાત

સંસદની કાર્યવાહીમાં શિસ્ત લાવવા માટે સ્પીકરે એક મહત્વના નિયમની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, "કોઈપણ સભ્યએ ગૃહમાં કોઈ તસવીર, મુદ્રિત સામગ્રી, કોઈના અવતરણ કે દસ્તાવેજ રજૂ કરવા હોય તો તે પહેલા સ્પીકરની લેખિત મંજૂરી લેવી અનિવાર્ય છે." વિપક્ષે ભૂતકાળમાં આ નિયમનું પાલન ન કર્યું હોવાથી ગૃહમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સ્પીકરે કડક વલણ અપનાવવું પડ્યું હતું.

સંસદની ગરિમા અને વિપક્ષનું વર્તન

મહિલા સાંસદો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને ગૃહમાં તખ્તીઓ (Placards) બતાવવાની ઘટના પર ઓમ બિરલાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે સાંસદો સત્તા પક્ષની બેન્ચ પાસે જઈને હંગામો કરે છે અને તખ્તીઓ લહેરાવે છે, ત્યારે તે સંસદની છબીને નુકસાન પહોંચાડે છે. "મેં જે પણ નિર્ણયો લીધા છે, તે વ્યક્તિગત નથી પરંતુ 'સંસદની ગરિમાની રક્ષા' માટે લીધેલા નિર્ણયો છે," તેમ તેમણે ઉમેર્યું હતું.

નવા સભ્યોને પ્રોત્સાહન અને લોકશાહીનું સન્માન

પોતાના સંબોધનના અંતે ઓમ બિરલાએ જણાવ્યું કે તેમણે હંમેશા એવા સભ્યોને પ્રોત્સાહિત કર્યા છે જેઓ ગૃહમાં બોલતા ખચકાતા હોય અથવા નવા હોય. તેમણે વિપક્ષને અપીલ કરી કે ગૃહમાં ચર્ચા અને સંવાદ થવો જોઈએ, પરંતુ તે નિયમોની મર્યાદામાં રહીને થવો જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now