ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ઘરની બહાર નીકળવાનું હોય ત્યારે પરસેવાથી છુટકારો મેળવવા માટે લોકો અવનવા ઉપાયો કરતા હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે Sony કંપની એક અદભૂત ગેજેટ લઈને આવી છે. કંપનીએ Reon Pocket Pro Plus નામનું એક ખાસ વિયરેબલ કુલર લોન્ચ કર્યું છે જેને તમે ગળામાં પહેરીને ગમે ત્યાં ફરી શકો છો. આ ડિવાઈસ આસપાસના તાપમાનમાં પણ તમારા શરીરને ઠંડકનો અહેસાસ કરાવવા માટે સક્ષમ છે.શું છે આ ખાસ ટેકનોલોજી અને તે કેવી રીતે કામ કરે છે?
Sonyનું આ નવું વિયરેબલ કુલર ખાસ કરીને Peltier effect ટેકનોલોજી પર આધારિત છે. આ ઉપકરણમાં અંદરની તરફ એક મેટલની કુલિંગ પ્લેટ આપવામાં આવી છે. જ્યારે આ ડિવાઈસને ગળાના પાછળના ભાગે પહેરવામાં આવે છે ત્યારે આ પ્લેટ સીધી ત્વચાના સંપર્કમાં રહે છે. વીજળીના પ્રવાહની મદદથી આ પ્લેટ ઠંડી થાય છે અને શરીરના તાપમાનને તુરંત ઘટાડવામાં મદદ કરે છે. આ ગેજેટ એક નાના ઈલેક્ટ્રોનિક આઈસ પેકની જેમ કાર્ય કરે છે જેને USB-C પોર્ટ દ્વારા સરળતાથી ચાર્જ કરી શકાય છે.
ગળામાં જ કેમ પહેરવામાં આવે છે?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ગળાનો ભાગ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે અત્યંત મહત્વનો છે કારણ કે ત્યાં ત્વચાની નીચે લોહીની નસો આવેલી હોય છે. ગળાના ભાગને ઠંડક મળવાથી આખા શરીરમાં ઠંડકનો અનુભવ થાય છે. આ જ કારણસર રમતગમતના ખેલાડીઓ પણ ઘણીવાર ગળામાં કુલિંગ ટાબેલ રાખતા જોવા મળે છે.
નવા મોડલમાં કરવામાં આવ્યા છે ખાસ ફેરફાર
Sonyના દાવા મુજબ Reon Pocket Pro Plus તેના જૂના મોડલ કરતા 20 ટકા વધુ સારી કુલિંગ ક્ષમતા ધરાવે છે. આ ઉપકરણ ત્વચાના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો કરી શકે છે. કંપનીએ તેની ડિઝાઈનમાં પણ સુધારો કર્યો છે જેમાં ફ્લેક્સિબલ આર્મ્સ લગાવવામાં આવ્યા છે જેનાથી તે ગળા અને ખભા પર વ્યવસ્થિત રીતે ફિટ થઈ જાય છે. આ નવી ડિઝાઈનને કારણે ડિવાઈસની સ્ટેબિલિટીમાં 40 ટકા જેટલો વધારો થયો છે.
બેટરી બેકઅપ અને અન્ય ફીચર્સ
આ ડિવાઈસમાં એક એક્ઝોસ્ટ વેન્ટની સુવિધા છે જે શરીરની ગરમીને બહાર ફેંકવાનું કામ કરે છે. તેમાં લાગેલો નાનો પંખો હવાની અવરજવર જાળવી રાખે છે. યુઝર્સ આ કુલરને ખાસ મોબાઈલ એપ દ્વારા પણ ઓપરેટ કરી શકે છે. બેટરીની વાત કરીએ તો તેની બીજી સૌથી હાઈએસ્ટ કુલિંગ સેટિંગ પર આ ગેજેટ સતત 10 કલાક સુધી કાર્ય કરી શકે છે.
કિંમત અને ઉપલબ્ધતા
હાલમાં Sony Reon Pocket Pro Plus માત્ર UK અને યુરોપના માર્કેટમાં જ વેચાણ માટે મૂકવામાં આવ્યું છે. UKમાં તેની કિંમત 199 પાઉન્ડ એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે 25,000 રૂપિયાની આસપાસ છે. ભારતમાં આ પ્રોડક્ટ ક્યારે લોન્ચ થશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ ભારતના ગરમ વાતાવરણને જોતા આ ગેજેટ અહીં ઘણું ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.





