Home Tech/Gadgets Sabjikothi Iit Engineer Innovation Vegetable Preservation No Electricity

IIT એન્જિનિયરે બનાવ્યું ખાસ ડિવાઈસ : વગર વીજળી, કે બરફથી 30 દિવસ સુધી શાકભાજીને સડવા નહીં દે, જાણો કેવી રીતે?

Sabjikothi, Saptkrishi, Nikki Kumar Jha
Published by: Vishal Dave
Last Updated: May 13, 2026, 05:30 PM IST

સામાન્ય રીતે ઘરોમાં ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સાચવવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેમાં સતત વીજળીનો વપરાશ થાય છે અને મોટું બિલ આવે છે. આ સમસ્યાના સમાધાન માટે બિહારના ભાગલપુરના વતની અને IIT ગ્રેજ્યુએટ નિક્કી કુમાર ઝા અને તેમની બહેન રશ્મિ ઝાએ સબ્જીકોઠી નામનું એક અનોખું ડિવાઈસ તૈયાર કર્યું છે. આ એક એવું ઉપકરણ છે જે વીજળી કે બરફ વગર પણ શાકભાજીને 30 દિવસ સુધી એકદમ ફ્રેશ રાખી શકે છે.

ખેડૂતો માટે આશીર્વાદ સમાન ટેકનોલોજી

મુખ્યત્વે આ ટેકનોલોજી એવા ખેડૂતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જેમને કોલ્ડ સ્ટોરેજની સુવિધા મળતી નથી. આ એગ્રી-ટેક ઈનોવેશન કોઈ પણ મોંઘા રેફ્રિજરેશન વગર પાકની સંગ્રહ ક્ષમતા એટલે કે શેલ્ફ-લાઈફને અનેકગણી વધારી દે છે.

સબ્જીકોઠી કઈ રીતે કામ કરે છે?

સબ્જીકોઠીનું કાર્ય ભલે ફ્રિજ જેવું હોય પણ તેની ટેકનોલોજી સાવ અલગ છે. આ ડિવાઈસ અંદરની તરફ એક નિયંત્રિત વાતાવરણ (Controlled Atmosphere) તૈયાર કરે છે. તે પાણીને ઓક્સિડાઈઝ કરીને તેને કાર્બન ડાયોક્સાઈડ, હાઈડ્રોજન અને વરાળમાં પરિવર્તિત કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ડિવાઈસ પાકમાંથી નીકળતા એથિલીન ગેસનો નાશ કરે છે.

ઉલ્લેખનીય છે કે એથિલીન ગેસના કારણે જ ફળો અને શાકભાજી ઝડપથી પાકી જાય છે અથવા સડવા લાગે છે. આ ગેસ પર નિયંત્રણ મેળવીને આ ઉપકરણ શાકભાજીને 3 થી 30 દિવસ સુધી તાજા રાખવામાં સફળ રહે છે.

ફ્રિજ કરતા કેમ છે વધુ ફાયદાકારક?

Saptkrishi વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ આ ટેકનિકની સૌથી મોટી વિશેષતા એ છે કે તે મોંઘી વીજળી વાપરવાને બદલે સૌર ઉર્જાથી ચાલે છે. સબ્જીકોઠી મુખ્યત્વે પાણીના આધારે કામ કરે છે અને અહેવાલો મુજબ તેના માટે માત્ર 1 લીટર પાણી પૂરતું છે. આ બાબત ભારતના એવા અંતરિયાળ ગામડાઓ માટે વરદાનરૂપ છે જ્યાં વીજળીનો પુરવઠો હજુ પણ એક મોટો પડકાર છે.

પોર્ટેબલ અને સસ્તું કોલ્ડ સ્ટોરેજ

સબ્જીકોઠીની અન્ય એક ખાસિયત તેની સંગ્રહ ક્ષમતા છે જે સામાન્ય ફ્રિજ કરતા 10 ગણી વધારે છે. આ ડિવાઈસ સેલ્ફ-એસેમ્બલ છે એટલે કે તેને સરળતાથી ખોલી શકાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ખેડૂતો તેને ઈ-રિક્ષા કે લારી પર ગોઠવીને સીધા માર્કેટ યાર્ડ સુધી લઈ જઈ શકે છે. આ ટેકનોલોજી માત્ર પાકનો બગાડ અટકાવતી નથી પરંતુ ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ અપાવવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે તેને ખરીદવા માંગતા હોવ તો saptkrishi.com પરથી મેળવી શકાય છે. આ અનોખું સંશોધન ખેતીવાડી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે સક્ષમ છે કારણ કે તે ખર્ચ ઘટાડે છે અને આવક વધારવામાં મદદરૂપ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now