Home Gujarat Somnath Suryakiran Air Show Indian Air Force

સોમનાથમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાનો એર શો : PM મોદીની હાજરીમાં ભવ્ય આયોજન

Somnath Air Show, Suryakiran Air Show
Published by: Vishal Dave
Last Updated: May 09, 2026, 05:49 PM IST

સોમનાથના પવિત્ર દરિયાકિનારે પ્રથમવાર ભારતીય વાયુસેનાનું વિશ્વપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એર શો’ યોજાવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક આયોજન પહેલા થયેલી રિહર્સલ દરમિયાન ફાઇટર જેટ્સના દિલધડક કરતબ જોઈને હજારો લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. હવે 11 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થનારા આ ભવ્ય એર શોને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે.

ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સોમનાથમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાનું પ્રખ્યાત ‘સૂર્યકિરણ એર શો’ યોજાવા જઈ રહ્યું છે. સોમનાથ અમૃતપર્વ-2026ના ભાગરૂપે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ દેશભરના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બન્યો છે.

એર શો પહેલા ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ’ દ્વારા રિહર્સલ કરવામાં આવી હતી. પ્રભાસ પાટણના આકાશમાં ફાઇટર જેટ્સે કરેલા રોમાંચક સ્ટન્ટ્સ જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો આ રિહર્સલ જોવા માટે ઉમટી પડ્યા હતા.

PM મોદીની હાજરીમાં થશે ભવ્ય આયોજન

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જનમીત શર્માએ માહિતી આપતા જણાવ્યું કે 11 મેના રોજ સવારે 11 વાગ્યાથી સૂર્યકિરણ એર શોનું આયોજન કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

તેમણે જણાવ્યું કે આ એર શોમાં Hawk MK-132 શ્રેણીના કુલ 6 ફાઇટર જેટ્સ ભાગ લેશે. આ ફાઇટર જેટ્સ આકાશમાં વિવિધ પ્રકારની એરોબેટિક ફોર્મેશન્સ અને સ્ટન્ટ્સ રજૂ કરશે.

સોમનાથ મંદિરના પવિત્ર વાતાવરણ વચ્ચે ભારતીય વાયુસેનાનું આ પ્રદર્શન દેશભક્તિ અને રોમાંચનો અનોખો સંગમ સર્જશે.

આકાશમાં દેખાશે દિલધડક કરતબ

સૂર્યકિરણ એર શો દરમિયાન દર્શકોને અનેક અદ્ભુત હવાઈ કરતબ જોવા મળશે. ફાઇટર જેટ્સ આકાશમાં ‘ત્રિરંગા સ્મોક ટ્રેલ’, ‘કલર સ્મોક’, ‘લૂપ્સ એન્ડ રોલ્સ’, ‘ક્લોઝ ફોર્મેશન’ અને ‘ડાયમંડ ફોર્મેશન’ જેવા ખાસ સ્ટન્ટ્સ રજૂ કરશે.

શરૂઆતમાં તમામ 6 જેટ્સ સાથે ઉડાન ભરીને સમૂહ પ્રદર્શન કરશે. ત્યારબાદ ટીમ અલગ અલગ ફોર્મેશનમાં વહેંચાઈને રોમાંચક હવાઈ કરતબ બતાવશે.

ફ્લાઇટ લેફ્ટનન્ટ અને ટીમ કોમેન્ટેટર કન્વલ સંધૂએ જણાવ્યું કે સોમનાથના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ‘સૂર્યકિરણ એર શો’ યોજાઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ ગ્રુપ કેપ્ટન અને ટીમ લીડર અજય દશરથિના માર્ગદર્શન હેઠળ યોજાશે.

800થી 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ

એર શો દરમિયાન ફાઇટર જેટ્સ આશરે 800થી 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે. આ જ કારણ છે કે સમગ્ર કાર્યક્રમ માટે અત્યંત ચોકસાઈ અને તાલમેલ જરૂરી બને છે. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ તમામ જેટ્સ જામનગર એરબેઝ પરથી ઓપરેટ કરવામાં આવશે. 10 મેના રોજ અંતિમ રિહર્સલ યોજાશે, જ્યારે 11 મેના રોજ મુખ્ય એર શો થશે. ફાઇટર જેટ્સમાં રહેલા તમામ પાયલોટ્સ આધુનિક રેડિયો કમ્યુનિકેશન સિસ્ટમ અને સુરક્ષા સાધનોથી સજ્જ રહેશે.

જમીનથી આકાશ સુધી સતત મોનિટરિંગ

સૂર્યકિરણ ટીમના સભ્યો મુજબ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જમીન અને આકાશ બંને સ્તરે સતત સંકલન જાળવવામાં આવશે. સ્ક્વોડ્રન લીડર અમન ગોયલ જમીન પરથી સમગ્ર ફ્લાઇટ ઓપરેશનનું મોનિટરિંગ કરશે. તેઓ પાયલોટ્સને હવાની ઝડપ, જેટ્સ વચ્ચેનું અંતર અને સંભવિત જોખમ અંગે સતત માર્ગદર્શન આપતા રહેશે. આ પ્રકારના એરોબેટિક શોમાં દરેક સેકન્ડ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તેથી તમામ પાયલોટ્સ અને ગ્રાઉન્ડ ટીમ વચ્ચેનું સંકલન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પક્ષીઓથી સુરક્ષા માટે ખાસ તૈયારી

એર શો દરમિયાન પક્ષીઓ ફાઇટર જેટ્સ માટે જોખમ ન બને તે માટે વાયુસેનાએ ખાસ તૈયારીઓ કરી છે. બર્ડ હેઝર્ડ કંટ્રોલ (BHC) ટીમ સતત મોનિટરિંગ કરશે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને એર શો પહેલા બે દિવસ સુધી ખુલ્લામાં ખોરાક ન ફેંકવા અપીલ કરવામાં આવી છે જેથી પક્ષીઓની સંખ્યા ઓછી રહે. આ ઉપરાંત જરૂર પડે તો પક્ષીઓને દૂર રાખવા માટે અવાજવાળા ખાસ પટાખાનો ઉપયોગ પણ કરવામાં આવશે. વાયુસેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ પટાખાઓ પક્ષીઓને નુકસાન પહોંચાડતા નથી, માત્ર અવાજથી તેમને દૂર રાખે છે.

સોમનાથ માટે કેમ ખાસ છે આ એર શો?

સોમનાથ માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં પ્રથમવાર ભારતીય વાયુસેનાનું એર શો યોજાવું ગુજરાત માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. આ આયોજનથી પ્રવાસનને પણ મોટો ફાયદો થવાની સંભાવના છે. દેશભરમાંથી હજારો લોકો આ ભવ્ય કાર્યક્રમ જોવા માટે સોમનાથ પહોંચે તેવી શક્યતા છે. વાયુસેનાનું આ પ્રદર્શન દેશની સૈન્ય શક્તિ, ટેક્નોલોજી અને પાયલોટ્સની કુશળતાનું જીવંત પ્રદર્શન બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now