Home Gujarat Smuggling Of Hybrid Marijuana From Thailand To Gujarat Exposed

થાઈલેન્ડથી ગુજરાતમાં હાઈબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ : મુખ્ય આરોપી કેવિન ખેની ઝડપાયો, કુલ 5 આરોપીઓની ધરપકડ

થાઈલેન્ડથી ગુજરાતમાં હાઈબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 10:26 AM IST

વડોદરા શહેરમાં હાઈબ્રિડ ગાંજાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો મોટો પર્દાફાશ થયો છે. થાઈલેન્ડથી ગુજરાતમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી કેવિન નિલેશભાઈ ખેનીને શહેરની એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો છે. લુક આઉટ નોટિસના આધારે કેવિનને કલકત્તા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેને અમદાવાદ મારફતે ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા લાવવામાં આવ્યો છે.

ગાંજાની લેવડ-દેવડમાં કમિશન લેનારની ધરપકડ

આ સમગ્ર કેસની શરૂઆત ગત વર્ષે શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હાઈબ્રિડ ગાંજાના એક કેસથી થઈ હતી. આ કેસમાં પોલીસે પહેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તાંદલજા વિસ્તારમાં આવેલી શકીલાપાર્ક સોસાયટીમાં રહેતા આદીબ પટેલના મકાનમાંથી એસ.ઓ.જી.ને મોટા પ્રમાણમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ મામલે આદીબ પટેલ, તેના પિતા અબ્દુલ પટેલ, સહઆરોપી વિવેક ત્રિવેદી તેમજ હાઈબ્રિડ ગાંજાની લેવડ-દેવડમાં કમિશન લેનાર નિરજ ઉર્ફે ટોની ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવી ગુજરાતમાં સપ્લાય કરતો

પોલીસે સહઆરોપી વિવેક ત્રિવેદીની કડક પુછપરછ કરતાં ખુલાસો થયો કે તે છેલ્લા દોઢ વર્ષથી હાઈવીક સોસાયટી-28 નામના કેફેની આડમાં થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવી ગુજરાતમાં સપ્લાય કરતો હતો. તપાસમાં સામે આવ્યું કે આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કેવિન નિલેશભાઈ ખેની છે, જે વિદેશમાંથી ડ્રગ્સ મંગાવી એર માર્ગે સુરત ખાતે સહઆરોપીને કોર્નર ડિલિવરી આપતો હતો. આ ખુલાસા બાદ કેવિન સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી.

અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ

લુક આઉટ નોટિસના આધારે કેવિન કલકત્તા એરપોર્ટ પર ઉતરતા જ પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસ પુછપરછ દરમિયાન કેવિને થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવી ગુજરાતમાં સપ્લાય કરતો હોવાની કબૂલાત કરી છે. એસ.ઓ.જી. પોલીસે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વર્ષ 2024 દરમિયાન અંદાજે રૂપિયા 22.02 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે. કેવિન ખેનીને કોર્ટ સમક્ષ રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now