Home Sports Smriti Mandhana Breaks Rohit Sharma T20i Record Gujarati

સ્મૃતિ મંધાનાએ સાઉથ આફ્રિકા સામે રચ્યો ઇતિહાસ! : રોહિત શર્માને પાછળ છોડીને બની ભારતની સૌથી સફળ T20I બેટર

Smriti Mandhana and Rohit Sharma
Published by: Aryan Shah
Last Updated: Apr 18, 2026, 01:27 PM IST

Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી અને વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર મેદાન પર પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં ભલે ટીમની હાર થઈ હોય, પરંતુ સ્મૃતિ મંધાનાએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે, જેણે ભારતીય ક્રિકેટમાં નવો ઇતિહાસ રચી દીધો છે. સ્મૃતિ મંધાના હવે ભારત માટે T20I ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે.

રોહિત શર્માનો રેકોર્ડ ધરાશાયી

17 એપ્રિલના રોજ ડરબનમાં રમાયેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ માત્ર 1 રન બનાવતાની સાથે જ પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રોહિત શર્માએ ભારત માટે T20I માં 4,231 રન બનાવ્યા હતા. હવે સ્મૃતિ મંધાનાના નામે 161 મેચોમાં 4,244 રન નોંધાઈ ચૂક્યા છે. સ્મૃતિ મંધાનાની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે, તેને હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માને પાછળ છોડ્યો છે, જેમણે 2024 વર્લ્ડ કપ બાદ રિટાયરમેન્ટ લીધું હતું.

મેચમાં સ્મૃતિ મંધાનાનું પરફોર્મન્સ

આ ઐતિહાસિક મેચમાં સ્મૃતિ મંધાનાએ કુલ 13 રન બનાવ્યા હતા. જોકે તે પોતાની ઈનિંગને બહુ લાંબી ખેંચી શકી નહોતી, પરંતુ શરૂઆતથી જ સ્મૃતિ મંધાના આક્રમક બેટિંગના મૂડમાં દેખાઈ હતી. તેને શેફાલી વર્મા સાથે મળીને ભારતને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. સ્મૃતિ મંધાનાએ પોતાની ઈનિંગ દરમિયાન ક્લો ટ્રાયનના બોલ પર એક શાનદાર સિક્સર ફટકારી હતી, જેમાં તેનો અદભૂત ક્લાસ જોવા મળ્યો હતો.

આ પણ ખાસ વાંચો : ICC એ નવી T20 ટુર્નામેન્ટની કરી જાહેરાત : કેમ ઈન્ડિયાને સ્થાન ના મળ્યું? જાણો શું છે કારણ

ટીમ ઈન્ડિયાની હાર

ભારતીય ટીમે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ મધ્યમ ક્રમ લથડતા સાઉથ આફ્રિકાએ આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. ભારતે આપેલા લક્ષ્યને સાઉથ આફ્રિકાના બેટર્સે સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભલે ટીમ મેચ હારી ગઈ હોય, પરંતુ ભારતીય ફેન્સ માટે સ્મૃતિ મંધાનાનો આ નવો રેકોર્ડ ખુશીનું મોટું કારણ બન્યો છે.

આગામી લક્ષ્ય

હવે ફેન્સની નજર સિરીઝની બીજી મેચ પર છે. સ્મૃતિ મંધાના જે લયમાં દેખાઈ રહી છે, તે જોતાં આગામી મેચમાં તે મોટી ઈનિંગ રમીને ટીમને વિજય અપાવે તેવી પૂરી શક્યતા છે. ભારતીય મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાનું કદ આ રેકોર્ડ બાદ વધુ ઊંચું થઈ ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now