Smartphone Price Hike: જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે જલ્દી કરવી જોઈએ અથવા તમારા બજેટમાં મોટો વધારો કરવા તૈયાર રહેવું પડશે. ભારતીય બજારમાં સ્માર્ટફોનની કિંમતોમાં છૂપો વધારો શરૂ થઈ ચૂક્યો છે. OnePlus, Nothing, Redmi અને Realme જેવી દિગ્ગજ બ્રાન્ડ્સે કોઈ પણ પ્રકારના હોબાળા વગર પોતાના લોકપ્રિય મોડલ્સના ભાવમાં ₹2,000 થી લઈને ₹6,000 સુધીનો વધારો ઝીંકી દીધો છે. ટેક એક્સપર્ટ્સનું માનવું છે કે આ તો માત્ર ટ્રેલર છે, અસલી પિક્ચર હજુ બાકી છે. આ આખી રમત પાછળ એક નવો શબ્દ જવાબદાર છે - 'RAMageddon'. ટેક ઇન્ડસ્ટ્રીમાં હાલમાં રેમ (RAM) અને સ્ટોરેજ ચિપ્સની ભારે અછત સર્જાઈ છે. સ્માર્ટફોન કંપનીઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓ વચ્ચે આ ચિપ્સ મેળવવા માટે જાણે યુદ્ધ છેડાયું છે. પરિણામે, જે સ્માર્ટફોન અત્યાર સુધી સસ્તા મળતા હતા, તેની કિંમતો હવે આસમાને પહોંચવા જઈ રહી છે.
AI બની રહ્યું છે મોંઘવારીનું મુખ્ય કારણ?
દુનિયાભરમાં અત્યારે OpenAI, Google, Microsoft અને Meta જેવી કંપનીઓ મોટા પાયે AI ડેટા સેન્ટરો બનાવી રહી છે. આ ડેટા સેન્ટરો ચલાવવા માટે હાઈ-એન્ડ મેમરી ચિપ્સ (DRAM અને NAND)ની જરૂર પડે છે. અગાઉ જે ફેક્ટરીઓ સ્માર્ટફોન માટે આ ચિપ્સ બનાવતી હતી, તેઓ હવે પોતાનો મોટો હિસ્સો AI ઇન્ડસ્ટ્રી તરફ વાળી રહી છે. સપ્લાય ઓછી અને ડિમાન્ડ વધુ હોવાને કારણે ચિપ્સના ભાવ સતત વધી રહ્યા છે, જેનો સીધો બોજ સ્માર્ટફોન કંપનીઓ ગ્રાહકો પર નાખી રહી છે.
ભારતમાં કયા ફોન કેટલા મોંઘા થયા?
ભારતીય બજારમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ભાવમાં થયેલો વધારો ચોંકાવનારો છે:
OnePlus 15: લોન્ચ સમયે જે ફોન ₹72,999માં મળતો હતો, તે હવે ₹77,999 સુધી પહોંચી ગયો છે.
Nothing Phone 4a Pro: આ ફોનની કિંમત ₹39,999 થી વધીને અંદાજે ₹44,999 થઈ ગઈ છે.
Redmi & Realme: બજેટ અને મિડ-રેન્જના ઘણા મોડલ્સમાં ₹2,000 થી ₹5,000 સુધીનો વધારો જોવા મળ્યો છે.
શું ફોન 40% સુધી મોંઘા થશે?
કેટલાક અહેવાલો સૂચવે છે કે જો ચિપ્સની આ અછત લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો આવનારા એક-બે વર્ષમાં સ્માર્ટફોનની કિંમતોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને 12GB કે 16GB RAM ધરાવતા પ્રીમિયમ ફોન વધુ મોંઘા થશે. સેમસંગ જેવી કંપનીઓ પણ સ્વીકારી રહી છે કે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કમ્પોનન્ટ્સની કિંમતો વધી રહી છે. આ સ્થિતિમાં, કંપનીઓ હવે સસ્તા અને બજેટ ફોન બનાવવાનું ઓછું કરી શકે છે કારણ કે તેમાં નફો જાળવવો મુશ્કેલ બની રહ્યો છે.
બજેટ સેગમેન્ટના ગ્રાહકો માટે ખરાબ સમાચાર
ભારતમાં મોટાભાગના લોકો ₹15,000 થી ₹30,000ના બજેટમાં ફોન ખરીદતા હોય છે. જો આ સેગમેન્ટમાં ભાવ વધશે, તો સામાન્ય લોકો માટે નવો ફોન ખરીદવો મુશ્કેલ બનશે. નિષ્ણાતોના મતે, આ સમસ્યાનો ઉકેલ વર્ષ 2027 પહેલા મળવાની શક્યતા ઓછી છે. એટલે કે, આવનારા બે વર્ષ સુધી સ્માર્ટફોન બજારમાં મોંઘવારીનો માર યથાવત રહેશે.





