Home Tech/Gadgets Smart Earrings Lumia 2 Health Tracking Wearable Tech

કાનમાં પહેરાતી ‘ઇયરિંગ્સ’ હવે બનશે પર્સનલ હેલ્થ આસિસ્ટન્ટ! : ફેશન અને ટેકનોલોજીનું સૌથી અનોખું કોમ્બિનેશન

Smart Earrings
Image Credit: lumia2
Published by: Aryan Shah
Last Updated: May 09, 2026, 03:15 AM IST

Smart Earrings : વિયરેબલ ટેકનોલોજી એટલે કે શરીરે પહેરી શકાય તેવા ગેજેટ્સની દુનિયામાં દરરોજ નવા સંશોધનો થતાં રહે છે. અત્યાર સુધી આપણે સ્માર્ટવોચ અને સ્માર્ટ બેન્ડનો ઉપયોગ કરતાં હતા, અને હાલમાં સ્માર્ટ રિંગ્સનો ક્રેઝ વધ્યો છે. હવે ટેકનોલોજી સીધી તમારા કાન સુધી પહોંચી ગઈ છે. સ્માર્ટ ઇયરિંગ્સ એ માત્ર ઘરેણું નથી, પરંતુ એક એવું પાવરફૂલ સાધન છે જે મેડિકલ લેવલની ચોકસાઈ સાથે તમારો હેલ્થ ડેટા ટ્રેક કરી શકે છે.

નવું ગેજેટ અને લોન્ચિંગ

હાલમાં 'લુમિયા હેલ્થ' (Lumia Health) નામની કંપનીએ તેનું નવું ડિવાઇસ 'લુમિયા 2' (Lumia 2) બજારમાં મૂક્યું છે. આ ડિવાઇસ દેખાવમાં બિલકુલ ઇયરિંગ જેવું જ છે, પરંતુ તેની અંદર આધુનિક ટેકનોલોજી છુપાયેલી છે. કંપનીનો દાવો છે કે, આ દુનિયાનું સૌથી નાનું વેલનેસ વીયરેબલ છે. ખાસ કરીને જે દર્દીઓને લાંબા સમયથી લોહીના પ્રવાહ (Blood Flow) સંબંધિત સમસ્યાઓ છે, તેમના માટે આ વરદાન સમાન સાબિત થઈ શકે છે.

કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ

ઘણા લોકોને પ્રશ્ન થાય કે કાનમાં પહેરેલી ઇયરિંગ કેવી રીતે ડેટા ટ્રેક કરે? આ સ્માર્ટ ઇયરિંગનું મુખ્ય સેન્સર કાનની પાછળના ભાગમાં બેસે છે. કાનની પાછળનો ભાગ લોહીની નળીઓ (Blood Vessels) ની ખૂબ નજીક હોય છે, જેના કારણે સેન્સર હૃદયના ધબકારા અને લોહીના પ્રવાહને કાંડા (Wrist) કરતાં વધુ સારી રીતે માપી શકે છે. આ ડિવાઇસ વાપરવા માટે કાન વીંધાવવાની જરૂર નથી, તે ક્લિપ-ઓન તરીકે પણ ઉપલબ્ધ છે.

ડેટા ટ્રેકિંગ અને ફીચર્સ

લુમિયા 2 જેવી સ્માર્ટ ઇયરિંગ્સમાં અત્યંત નાના પ્રોસેસર અને મલ્ટીપલ સેન્સર્સ આપવામાં આવ્યા છે. તે માત્ર હૃદયના ધબકારા જ નહીં, પણ તમારી ઊંઘની ગુણવત્તા, દિવસભરની શારીરિક પ્રવૃત્તિ અને લોહીના પ્રવાહમાં થતાં ફેરફાર સહિત 20 થી વધુ સ્વાસ્થ્ય માપદંડો પર નજર રાખે છે. તેની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે; આટલું નાનું કદ હોવા છતાં તે એકવાર ચાર્જ કરવા પર 7 દિવસ સુધી આરામથી ચાલી શકે છે.

સ્માર્ટવોચ કરતાં કેમ શ્રેષ્ઠ છે

સ્માર્ટવોચમાં સૌથી મોટી સમસ્યા તેના ડિસ્પ્લેની છે, જે વારંવાર આવતા નોટિફિકેશનથી આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે. સ્માર્ટ ઇયરિંગ્સમાં કોઈ સ્ક્રીન હોતી નથી, તેથી તે 'ડિસ્ટ્રેક્શન ફ્રી' એક્સપિરિયન્સ આપે છે. તે શાંતિથી પોતાનું કામ કરે છે અને બધો ડેટા તમારા ફોનમાં રહેલી એપમાં મોકલે છે. વધુમાં, કાંડા પર બાંધેલી ઘડિયાળ ઘણીવાર કસરત કરતી વખતે હલી જાય છે, પરંતુ કાન પાછળનું સેન્સર હંમેશા સ્થિર રહે છે, જેના કારણે રીડિંગમાં કોઈ ભૂલ આવતી નથી.

ભવિષ્યમાં વધશે ઉપયોગ

હાલમાં ઘણી મોટી ટેક કંપનીઓ પણ સ્માર્ટ ઇયરિંગ્સ પર કામ કરી રહી છે. આવનારા સમયમાં આ ગેજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પણ જોવા મળી શકે છે, જે તમને અગાઉથી ચેતવણી આપશે કે તમને ક્યારે આરામની જરૂર છે કે ક્યારે ડોક્ટર પાસે જવાની જરૂર છે. ફેશન અને હેલ્થનું આ અનોખું મિશ્રણ આવનારા સમયમાં સ્માર્ટવોચને ટક્કર આપવા માટે તૈયાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now