વારાણસી ગેંગ રેપ કેસને લઈને ઉત્તર પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે. 23 હવસખોરોએ 19 વર્ષની છોકરી પર 6 દિવસ સુધી અત્યાચાર ગુજાર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ફરાર આરોપીઓની શોધ ચાલી રહી છે. દરમિયાન વારાણસી પોલીસે SIT ટીમની રચના કરી છે અને 60 દિવસમાં SIT ટીમ આ સમગ્ર ઘટના અંગે રિપોર્ટ સોંપશે. ટીમમાં વરિષ્ઠ અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે.
આરોપીના સંબંધીઓએ વિરોધ કર્યો
વારાણસીમાં એક યુવતી સાથે ગેંગરેપ કેસમાં ધરપકડ કરાયેલા 14 આરોપીઓના પરિવારજનોએ ગુરુવારે વિરોધ કર્યો અને કહ્યું કે આરોપીઓ નિર્દોષ છે. આરોપીના પરિવારજનોએ પીડિતાની કહાની પર સવાલો ઉઠાવ્યા છે. આરોપીના 100થી વધુ પરિવારજનોએ પોલીસ કમિશનરની કચેરીએ પહોંચીને દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું કે યુવતીએ મનઘડત કહાની બનાવીને નિર્દોષ લોકોને ફસાવ્યા છે. પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે પરિવારની અરજી લીધી છે અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડિતા 29 માર્ચે કેટલાક યુવકો સાથે બહાર ગઈ હતી. જ્યારે તે ઘરે પરત ન આવી ત્યારે તેના પરિવારે 4 એપ્રિલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અગાઉ કહ્યું હતું કે જ્યારે છોકરીને બચાવી લેવામાં આવી હતી, ત્યારે તેણે બળાત્કાર અંગે કંઈ કહ્યું ન હતું. જોકે, પીડિતાના પરિવારે 6 એપ્રિલે ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર થયો હોવાની કહાની જણાવી હતી .
પીએમ મોદીએ ઘટનાની જાણકારી લઈને આપી કડક સૂચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (11 એપ્રિલ) તેમના એક દિવસીય પ્રવાસે વારાણસી પહોંચ્યા હતા. વારાણસી પહોંચ્યા બાદ પીએમ મોદીએ તેમના સંસદીય ક્ષેત્રમાં બનેલા આ ગેંગ રેપ કેસ વિશે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી લીધી. આ પછી તેમણે અધિકારીઓને આ મામલામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમજ આવી ઘટના ફરી ન બને.
23માંથી 14 આરોપીઓની ધરપકડ
પોલીસે અગાઉ જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 23માંથી 14 આરોપીઓની ધરપકડ કરી છે.
ડીસીપી વરુણાને હટાવવામાં આવ્યા
વારાણસીમાં વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારના મામલામાં સોમવારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પીએમ મોદીની નારાજગી બાદ ડીસીપી વરુણ ચંદ્રકાંત મીણાને હટાવવામાં આવ્યા હતા. સોમવારે તેમને વારાણસીમાંથી હટાવીને DGP ઓફિસ લખનૌ સાથે જોડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીસીપીએ પહેલા જ દિવસે આ મામલે કડક કાર્યવાહી કરી ન હતી. તેમજ બેદરકારી દાખવનાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ઈન્સપેક્ટર સામે કોઈ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે ઉચ્ચ અધિકારીઓ તેમનાથી નારાજ હતા.






