Home Gujarat Shoe Hurled At Aap Leader Gopal Italia In Jamnagar Clash Between Workers

પ્રદીપસિંહ પર હુમલાના 8 વર્ષ બાદ ઈટાલિયા પર જૂતું ફેંકાયું : વર્ષ 2017 માં વિધાનસભા સંકુલમાં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો

પ્રદીપસિંહ પર  હુમલાના 8 વર્ષ બાદ ઈટાલિયા પર જૂતું ફેંકાયું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 05:26 PM IST

‘ખૂનક બદલા ખૂનની માફક’,’જૂતાનો બદલો જુતાથી’ જેવો ઘાટ ગોપાલ ઈટાલીય સાથે થયો છે,ગોપાલ ઈટાલીયા હજુ આંદોલનકારી તરીકે પોતાની છબી ઉપસાવી રહ્યા હતા તેવા સમયે વર્ષ ૨૦૧૭ માં તેઓએ તે સમયના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકી હુમલો કર્યો હતો.આ હુમલાનો બદલો લેવા છત્રપાલસિંહ જાડેજા નામના યુવકે આજે જામનગરની સભામાં ગોપાલ ઈટાલીયા પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

સમયનું ચક્ર બદલાયું છે,તે સમયે પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી હતા અને અમદાવાદના વટવાના ધારાસભ્ય હતા,અને ગોપાલ ઈટાલીયા કશુંજ નહોતા,આજે પ્રદીપ સિંહ ધારસભ્ય પદે પણ નથી અને ગોપાલ ઈટાલીયા વિસાવદરના ધારાસભ્ય છે.જેઓ ભાજપને હંફાવતી આમ આદમી પાર્ટીનો ગુજરાતનો મુખ્ય ચહેરો છે.  

જામનગર ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની જાહેર સભામાં આજે મોટો હોબાળો મચી ગયો હતો. વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા જ્યારે સભામાં હાજર હતા ત્યારે એક કોંગ્રેસી કાર્યકરે અચાનક તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ સભા સ્થળે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. નેતા પર થયેલા હુમલાથી ઉશ્કેરાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જૂતું ફેંકનાર યુવકને ઘેરી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો.

આ સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકરે ગોપાલ ઈટાલિયા તરફ જૂતું ઉછાળ્યું હતું. આ કૃત્ય બાદ ત્યાં હાજર આપના કાર્યકરો રોષે ભરાયા હતા અને છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા. ટોળાએ તેમને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસને પણ ટોળા વચ્ચેથી છત્રપાલસિંહને છોડાવવામાં 15 થી 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. બાદમાં પોલીસે તેમને પોતાની જીપમાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા.

જૂતું ફેંકનાર છત્રપાલસિંહે દાવો કર્યો હતો કે તેમણે ભૂતકાળની ઘટનાનો બદલો લીધો છે. ઉલ્લેખનીય છે કે 2 માર્ચ 2017 ના રોજ વિધાનસભા સંકુલની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ગોપાલ ઈટાલિયાએ તેમના પર જૂતું ફેંક્યું હતું અને ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. હવે 8 વર્ષ બાદ ઈટાલિયા પર જૂતું ફેંકાયું છે જેને છત્રપાલસિંહે પ્રદીપસિંહ જાડેજાના અપમાનનો બદલો ગણાવ્યો છે.

અત્રે નોંધનીય છે કે આજે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં શક્તિ પ્રદર્શનના ભાગરૂપે એક બાઈક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મહાપ્રભુજીની બેઠકથી શરૂ થઈને કાલાવડ નાકા, દરબારગઢ અને ચાંદી બજાર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને ટાઉન હોલ પહોંચી હતી. જોકે ટાઉન હોલના કાર્યક્રમમાં બનેલી આ ઘટનાને કારણે સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now